Mysamachar.in-રાજકોટ
સબંધોની હત્યાનો એક કિસ્સો રાજકોટથી સામે આવી રહ્યો છે, જ્યાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં શાહનગર સોસાયટીમાં રહેતી ઇલા નકુમ (ઉં.વ.20)ને તેના જ પિતા ગોપાલભાઈએ કપડા ધોવાનો ધોકો માથામાં ફટકારી ફરાર થઈ ગયા હતા. આથી ગંભીર રીતે ઘાયલ ઇલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી જઈ ગુનો નોંધી આરોપી પિતા ગોપાલભાઈની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઈલાને પાડોશમાં રહેતા વિધર્મી યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી તેની સાથે લગ્ન કરવાની ઈલાએ જીદ પકડતા પિતાને માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી દીધો હતો. દીકરીનો વિધર્મી યુવાન સાથેનો પ્રેમ સંબંધ પિતાને મંજૂર નહોતો. આ અંગે પરિવારજનોએ પણ ઈલાને સમજાવી હતી.
પરંતુ આજે પિતા ગોપાલભાઇએ કપડા ધોવાના ધોકા વડે ઈલાના માથાના ભાગે ઘા મારતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ ઈલાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આરોપી પિતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ ઈલાના માતા સવિતાબેનનું એક મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયું હતું. 4 ઓગસ્ટના રોજ ઈલાના પરિવારજનો અને તેના પ્રેમીના પરિવારજનો વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે ગોપાલભાઈએ પોતાની દીકરીને ધોકા વડે ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાના ગયા બાદ ઈલા અને તેના પિતા ગોપાલભાઈ ઘરમાં સાથે રહેતા હતા. ગોપાલભાઈ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઈલા એકની એક દીકરી હતી અને મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી.
આ અંગે પોલીસે જે પ્રાથમિક વિગતો જાહેર કરી છે તેમાં મૃતક ગાંધીગ્રામ વિસ્તારમાં તેના પિતા ગોપાલભાઈ સાથે રહેતા હતા. પુત્રી વિધર્મી યુવક સાથે જતી રહી હતી. બંને મેટર પોલીસ પાસે આવી ત્યારે બંને સમાજના આગેવાનો પણ પોલીસ પાસે આવ્યા હતા. આગેવાનોના સમજાવાથી બંને સમાજના લોકો વચ્ચે વાતચીત થઈ હતી. બાદમાં યુવતી પોતાના પિતાને ત્યાં પરત જતી રહી હતી. આ બધી ઘટના 29 જુલાઈથી આજ સુધીમાં બની હતી. આજે સવારે ખાવા-પિવાની બાબતે છોકરી સાથે માથાકૂટ થઈ હતી. તેના પિતાએ માથામાં લાકડાના ધોકાના ત્રણ-ચાર ઘા માર્યા હતા. બાદમાં સારવાર માટે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે બપોરે તેનું મોત નીપજ્યું હતું. હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે.