Mysamachar.in-રાજકોટ
અત્યારસુધી આપને રાજ્યમાં બુટલેગરો દ્વારા દારૂની હેરફેર કરવાની કેટલીક રીતો જોતા આવ્યા છીએ અને અલગ અલગ ટ્રીક અજમાવીને આવા લોકો દારૂની હેરાફેરી કરી લેતા હોય છે, પરંતુ અમુક તરકીબ એવી હોય છે જેને જોઇને ખુદ પોલીસ પણ આશ્ચર્યમાં પડી જતી હોય છે, અહી વાત રાજકોટની કરવામાં આવી રહી છે, જ્યાં પોલીસે પાડેલી એક દરોડામાં બૂટલેગરે પોતાના ઘરમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો હતો કે કોઈને આ જગ્યા પર દારૂ છુપાવેલ હશે તે વિચાર પણ ના આવે…
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રૈયા રોડ પાસે આવેલ સેલ્સ હોસ્પિટલની પાછળ રૈયારાજ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી 81 બોટલ જેટલો ભારતીય બનાવટની મોંઘીદાટ સ્કોચની બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે, પોલીસે આ મામલે 1 લાખ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો સાથે જ હમીર ઝાલા નામના શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે વિદેશી દારૂનો જથ્થો છૂપાડવા માટે આરોપી પોતાના રહેણાંક મકાનમાં એક સોફાની અંદર ખાનું બનાવી તેમાં છુપાવીને રાખતો હતો. કોઈને ખબર ન પડે તે રીતે તેને સોફાના નીચેના ભાગે એક ખાનું પણ બનાવ્યું હતું. જે ખાનામાંથી તે દારૂની બોટલ અંદર છુપાડતો હતો જેમ જરૂર પડતી તેમ તેમાંથી બહાર કાઢતો હોવાનું સામે આવ્યું છે.