Mysamachar.in-રાજકોટ
લોકડાઉનના કપરાકાળમાંથી લોકો પસાર થઇ રહ્યા છે, ત્યારે ખાનગી શાળાઓએ પોતાની આવક ચાલુ રાખવા માટે ઓનલાઈન શિક્ષણનું ગતકડું ઉભું કર્યું છે, પણ આ ઓનલાઈન શિક્ષણના શું ફાયદો અને શું નુકશાન વાલીઓની સ્થિતિ વગેરેનો અભ્યાસ કરવા માટે કોઈ તસ્દી લેતું નથી અને ડીંડક ચાલ્યા કરે છે, રાજ્યની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપવાનો ફતવો જાહેર કર્યો છે. બીજીબાજુ મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન સિસ્ટમથી કોઈ ને કોઈ કારણે ભારે નારાજ છે ત્યારે સમગ્ર સમાજને હચમચાવી નાખતી ઘટના રાજકોટમાં બનવા પામી છે જેમાં ધો.8માં અભ્યાસ કરતી ખુશી નામની 12 વર્ષની કિશોરીને હોમવર્ક પૂરું કરવા મુદ્દે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.
ગિરનાર સોસાયટી શેરી રહેતી ખુશી જયકિશન સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી હતી હાલમાં ઓનલાઇન એજ્યુકેશન અપાતું હતું. તેથી પુત્રીને ઓનલાઇન એજ્યુકેશનમાં મુશ્કેલી ન પડે તે માટે નવો મોબાઇલ પણ લઇ દીધો હતો. સોમવારે સવારે ખુશી ગેમ્સ રમતી હતી તેથી તેની મમ્મી નીતાબેને સ્કૂલ તરફથી અપાયેલું ઓનલાઇન હોમવર્ક પૂરું કરવા ઠપકો આપ્યો હતો, પરંતુ ખુશીને ઓનલાઇન હોમવર્ક ગમતું ન હોવાથી તે રૂમમાં ચાલી ગઇ હતી. લાંબો સમય સુધી ખુશી રૂમમાં બંધ રહેતા મમ્મીએ બાજુના રૂમની બારીમાંથી જોતા દીકરી પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી ગયેલી જોવા મળી હતી. રોહિતભાઇ શિંગડીયાની 12 વર્ષની દીકરીએ રૂમ બંધ કરી પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં મૃતદેહ જ પહોંચ્યાનું તબીબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.