Mysamachar.in-રાજકોટ:
લોકડાઉનને કારણે જે લોકો પાસે હેલ્થ પરમીટ એટલે કે દારૂ પીવાની પરમીટ છે, તે લોકોને પણ દારુ નથી મળતો, કારણ કે સરકાર માન્ય રાજ્યની જુદી-જુદી હોટેલમાં આવેલ વાઈનશોપ પણ લોકડાઉન ને કારણે બંધ છે, ત્યારે રાજકોટમાં વિચિત્ર ઘટના સામે આવી છે, છેલ્લા બે દિવસથી અજાણ્યા શખ્સે રાજકોટમાં દારૂ વેચવા માટેનું બનાવટી ફેસબુક પેજ બનાવ્યું હતું અને રાજકોટની જાણીતી હોટલ આઇ.ટી.સી. ફોર્ચ્યુન વાઇનશોપનું નામ વટાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ફેસબુક પર ડમી પેજ બનાવનાર વ્યક્તિ પોતાનું નામ સુનિલ કહે છે અને માહિતી મુજબ દારૂના ઓર્ડર સાથે 50 ટકા એડવાન્સ રૂપિયા ગૂગલ પેના માધ્યમથી જમા કરાવવાનું કહે છે. સાથે જ રૂપિયા ડિપોઝીટ થયા બાદ પરમિટ વગર દારૂની ડિલિવરી ઘરે પહોચી જશે અને ડિલિવરી માટે લોકેશન વોટ્સએપમાં મંગાવી ઓર્ડર કન્ફર્મ કરે છે. સમગ્ર મામલા અંગે ફોર્ચ્યુન હોટલના સંચાલકે સાયબર સેલમાં વિગતવાર ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, કોઈએ પણ આવા ફેસબુક કે બીજા કોઈ પણ પ્રકારના માધ્યમની માહિતી અથવા સંદેશાઓને માન્ય ગણશો નહીં. અમો અહીં જાણ કરવા માગીએ છીએ કે ,આઇ.ટી.સી. ફોર્ચ્યુન હોટલ સરકાર માન્ય 5 સ્ટાર હોટેલ છે. જેમાં માન્ય પરમિટ વગર વાઇન શોપમાં દારૂનું વેચાણ થતું નથી. અમારી વાઇન શોપ નશાબંધી અને આબકારી ખાતાના નીતિ નિયમ મુજબ કાર્ય કરે છે. લૉકડાઉનને કારણે અમારી વાઈન શોપ હાલ પૂરતી બંધ છે. નશાબંધી અને આબકારી ખાતાના આદેશ બાદ જ અમારી વાઈનશોપ કાર્યરત થશે. હાલ તો જે રીતે ડમી પેઈજ બનાવી યુવક દ્વારા લોકોને ખોટી રીતે દારૂના નામે એડવાન્સ પૈસા ઉઘરાવવા માટેની જાહેરાત કરી છે જે મામલે હોટેલ સંચાલક ની ફરિયાદ પરથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.