Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં ગઇકાલે પોલીસ કોન્સ્ટેબલ અને વકીલ વચ્ચે ઝરેલા તણખાથી આગ લાગે તે પહેલા જ પોલીસ કમિશનરે એક PSI અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લઇને તણખા ઠારી નાખ્યા છે. વાત એવી છે કે ગઇ કાલે રાજકોટમાં સેશન્સ કોર્ટના પરિસર નજીક બે કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો, તેમાંથી એક કાર વકીલની હતી જ્યારે અન્ય એક કાર ખાનગી હતી જે પોલીસ કોન્સ્ટેબલ લઇને આવ્યા હતા. હવે બન્યું એવું કે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ આ કારમાં લૂંટના એક આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે લાવ્યા હતા, કોર્ટ પહોંચતા જ વકીલની કાર સાથે અકસ્માત થતાં વકીલ સાથે ઉગ્રબોલાચાલી થઇ હતી. જેથી તમામ વકીલો એકત્રિત થઇ ગયા હતા. જો થોડીવાર વધુ ઘર્ષણ ચાલ્યું હોત તો દિલ્હીમાં જેવી રીતે વકીલ અને પોલીસ વચ્ચે હિંસા સર્જાઇ હતી તેવી જ હિંસા રાજકોટમાં બની હોત તેવી ચર્ચા લોકોમાં વહેતી થઇ હતી. આ મામલે પોલીસ કમિશનરે PSI સહિત ત્રણ આરોપીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતા પોલીસબેડામાં ચર્ચા જાગી છે.
વિગત પ્રમાણે ગઈકાલે કોર્ટ કમ્પાઉન્ડમાં પોલીસ જાપ્તામાં કેદીને પ્રાઇવેટ વાહનમાં લાવવાની બાબત પોલીસ કમિશનર રાજકોટ સીટીના ધ્યાને આવતા સમગ્ર બનાવની પ્રાથમિક તપાસ ACP વેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે માલવિયા નગર પોલીસ સ્ટેશનનાં PSI બી બી રાણા અને તેની સાથે અન્ય ૩ પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર જે વાઘેલા, મયુરસિંહ વી પરમાર, યશપલસિંહ પી. ઝાલા જેઓ તમામ ભક્તિનગર પોલીસ સ્ટેશન ફરજ બજાવે છે, કેદી પાર્ટીમાં જેલથી આરોપીઓને સરકારી ફાળવેલા વાહનની જગ્યાએ પોતાના ખાનગી વાહનમાં કોર્ટમાં લઈ આવી પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હતી, જેથી પોલીસ કમિશનર દ્વારા ચારેયને ફરજ મુક્ત કર્યા છે.

























































