Mysamachar.in-રાજકોટઃ
સામાન્ય રીતે બહેનની રક્ષા કરવાની ભાઇની ફરજ હોય છે, પરંતુ રાજકોટના ગોંડલમાં એક બહેને ભાઇને નવજીવન આપી રક્ષા કરી છે. ગોંડલના ભગવતપરામાં રહેતા પાતર પરિવારનો નાના પુત્રને કિડની ખરાબ થઇ જતાં મોટી બહેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન આપ્યું છે. PGVCLના કર્મચારી 36 વર્ષિય મનસુખભાઈ પાતરની તબીયત ખરાબ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, મનુસખભાઇનું 21 વર્ષ ડાયાલિસિસ કરાવવા છતા સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો નહીં, બાદમાં ડોક્ટરોએ કિડનીમાં પ્રોબ્લેમ હોવાનું જણાવી ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું. પરિવારની વિપરીત પરિસ્થિતિમાં મોટી બહેન ગીતાબહેને પોતાની એક કિડની ભાઇને આપવાનું નક્કી કર્યું. અમદાવાદ ખાતે આવેલી સેલ્બી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ થતાં પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ.
ધારાશાસ્ત્રીનું કામ કરતા દિનેશભાઈ પાતરે જણાવ્યું હતું કે અમારા બે ભાઈઓના પરિવારમાં મનસુખભાઈ નાના છે પરિવારના એકસંપને કારણે ક્યારેય આર્થિત સમસ્યા નથી સર્જાઇ, પરંતુ અમારી બહેનના કિડનીના દાનની સામે આર્થિક દાન પણ 1001 ટકા નાનું જ કહેવાય. બહેનનું આ દાન કોઈ દિવસ એળે નહીં જાય તેનું અમે બંને ભાઈઓ પણ વચન આપીએ છીએ. બીજી બાજુ આજે સમાજમાં પૈસા કે જમીન માટે પરિવારમાં ફૂટ પડતાં વાર નથી લાગતી એવામાં ગોંડલના આ પરિવારનો સંપ અન્ય લોકો માટે પ્રેરણા સમાન કહી શકાય.