Mysamachar.in-રાજકોટ:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ શહેરોમાં એટીએમ મશીનો તૂટવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, અને દરેક વખતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી એટીએમ તૂટી રહયાનું સામે આવે છે, તો અમુક બેંકો પણ માત્ર સીસીટીવી કેમેરાના ભરોસે લાખો રૂપિયા ભરેલ એટીએમ મશીનો છોડી દે બાબત પણ યોગ્ય નથી, સુરતમાં મંદીને કારણે એટીએમ તોડવા પહોચેલો નેપાળી સાયરન વાગી જતા ઝડપાઈ ગયાની ઘટના તાજેતરની જ છે, ત્યાં જ રાજકોટમાં વધુ એક એટીએમ મશીન તોડવાની ઘટનાના મામલે બે શખ્સો ઝડપાય છે,૧૧ લાખનું દેવું ભરવા માટે એક એટીએમ તોડવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો, પરંતુ કામયાબ બને તે પૂર્વે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા,
ગત શુક્રવારે મોડી રાત્રીના રાજકોટ પોલીસ કંટ્રોલરૂમના માહિતી મળી હતી કે રાજકોટનાં મવડી વિસ્તારનાં બાપાસિતારામ ચોકનાં એ.ટી.એમ માં બે શખ્સો એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી આપી હતી.જેથી પોલીસ તાબડતોબ ત્યાં પહોચી ગઈ હતી, જ્યાંથી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, ઝડપાયેલા શખ્સોની પોલીસે પુછપરછ કરતા આરોપી વિકાસનાં ભાઇ પર દેવું વધી ગયું હતું, લેણદારો ઘરે આવતા હતા. જેથી દેવું ભરપાઈ કરવા આરોપી પિન્ટુ સાથે મળીને એ.ટી.એમ તોડવાનો પ્લાન ઘડ્યો હોવાનું કબુલ્યું હતું,
-શાતીર શખ્સોનો આ હતો ફૂલપ્રૂફ પ્લાન…
ઝડપાયેલા શખ્સોએ એટીએમ મશીનની ચોરી કરતા પૂર્વે રેકી કરી હતી, જેથી એ.ટી.એમ મશીનમાં સીસીટીવી કેમેરા અને સેન્સરનું વાયરીંગ કેવી રીતે કાપવું તેની માહિતી ધરાવતા હતા. અને જયારે શુક્રવારની રાત્રે એ.ટી.એમ મશીન તોડતી વખતે આરોપીઓએ પહેલા સીસીટીવી કેમેરા પર બ્લેક કલરનો સ્પ્રે કર્યો હતો અને ત્યારબાદ સીસીટીવીનાં કેબલ કાપ્યા હતા. કેબલ કાપતા જ બેંકનાં સિક્યોરીટી વિભાગને જાણ થઇ હતી.એટલું જ નહીં આરોપીઓ પોલીસથી બચવા માટે હાથમાં મોજા પહેરીને આવ્યા હતા, ઝડપાયેલા શખ્સો એટલા તો શાતીર છે કે મોબાઇલ લોકેશન ન આવે તે માટે વાયરલેસ વોકીટોકીનો ઉપયોગ કરતા હતા. આરોપી વિકાસ એ.ટી.એમ તોડવાનો પ્રયાસ કરતો હતો ત્યારે સેન્ટર બહાર ઉભેલો તેનો મિત્ર પિન્ટું વાયરલેશ વોકીટોકીની મદદથી પોલીસની ગાડી આવે છે કે નહી તેની વોકિટોકીની મદદથી માહિતી આપતો હતો.પણ બન્ને મિત્રો એ બનાવેલ પ્લાનમાં સફળ ના રહ્યા અને અંતે પોલીસને હાથ લાગી જ ગયા..