Mysamachar.in-રાજકોટઃ
બજારમાં છેલ્લા કેટલાક સમયથી નકલી નોટ પધરાવતા શખ્સોની સંખ્યા વધી રહી છે, થોડા સમય પહેલા જ સ્વામીનારાયણ સાધુ દ્વારા રૂપિયા 2000ની નકલી નોટનું કૌભાંડ સામે આવ્યું હતું પરંતુ રાજકોટમાં બે શખ્સોએ તો 100 રૂપિયાની નકલી નોટ પધરાવવાનું કૌભાંડ શરૂ કર્યું હતું પરંતુ હાલ બંને પોલીસ સકંજામાં છે, પરંતુ બંનેની પુછપરછમાં કેટલીક રોચક માહિતી સામે આવી છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે બંને શખ્સો શહેરમાં ભરાતી રવિવારીમાં 10, 20 રૂપિયાની વસ્તુ ખરીદી 100 રૂપિયાની નકલી નોટ પધરાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે શહેરના ભાગોળે આવેલા કોઠારિયા ગામ નજીકથી ધોરાજી અને જેતપુરના બે શખ્સ અજયસિંહ મકવાણા અને રામકૃષ્ણ જયસ્વાલની 100 રૂપિયાની 540 નકલી નોટના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. બંનેએ પુછપરછમાં જણાવ્યું કે ધોરાજીનો કપિલ ઉર્ફે ટીનો બાવાજી ચલણી નોટ જેવી જ નકલી નોટ છાપતો હતો અને તેની પાસેથી આ નકલી નોટ મેળવી બંને રવિવારી બજારમાં આવ્યા હતા. સામાન્ય રીતે રવિવારી બજારમાં નાના વેપારીઓ કે રેકડીમાં ધંધો કરતાં લોકો હોય છે જેઓને ચલણી નોટ વિશે વધુ માહિતી હોતી નથી આથી સરળતાથી નકલી નોટ ધબેળી શકાતી હોવાથી બંને અહીં આવ્યા હતા. ત્યારે આ ઘટનાથી સામાન્ય માણસે પણ સાવધાની રાખવી જોઇએ જેનાથી નુકસાન વેઠવાનો વારો ન આવે. માર્કેટમાં આવી કેટલી નોટ ફરતી કરી છે અને માસ્ટમાઇન્ડની ધરપકડ સહિતની કામગીરી હાલ પોલીસે હાથ ધરી છે.

























































