Mysamachar.in-રાજકોટઃ
પુત્ર પ્રાપ્તીના મોહમાં અંધ બનેલી એક મહિલા ઠગ મહિલા ટોળકીના હાથે ચડી ગઇ અને પછી દાગીના સહિત રૂપિયા એક લાખ ગુમાવ્યા. જો કે પોલીસની મદદથી બંને મહિલાઓ હાલ જેલ હવાલે છે પરંતુ જે રીતે બંને મહિલાઓએ ઠગાઇ કરી તે રીત જાણવા જેવી છે. વાત એવી છે કે રાજકોટમાં કુવાડવા વિસ્તારમાં રહેતી મહિલા ઘરે એકલી હતી ત્યારે બે મહિલા તેને મળવા આવી હતી, તેમાંથી એક મહિલાએ કહ્યું કે મારા ભાઇના ઘરે રાંદલ માતાની કૃપાથી વર્ષો બાદ દિકરાનો જન્મ થયો છે. જો કોઇને ઘરે દિકરાનો જન્મ માટે કરવામાં આવતી વિધિ મને આવડે છે. મેં રાંદલ માતાજીની માનતા રાખી છે, માતાજીના લોટા તેડવા માટે ચાંદલા-કુંકુ માંગવાની માનતા છે. તારી પાસે કંકુ હોય તો આપ.
બાદમાં વાત વાતમાં મહિલાએ કહ્યું કે મારે લગ્નના બે વર્ષ થયા છતા સંતાન નથી. આ વાત જાણી ઠગ મહિલાઓ સમજી ગઇ અને કહ્યું કે સંતાન માટે વિધિ કરવી પડશે. મને અત્યારે 5051 રૂપિયા આપ અને સાથે સોનાનું કોઇ એક ઘરેણું મારી સાડીના છેડે બાંધી દે એટલે તને વિધિ કરી આપીએ. ઠગ મહિલાના કહેવા પ્રમાણે પુત્ર પ્રાપ્તિના મોહમાં મહિલાએ અઢી તોલાની હાંસડી જેની કિંમત અંદાજે એક લાખ થાય તે મહિલાની સાડીના છેડે બાંધી દીધી, પછી થોડો સમય બંને મહિલાઓએ વિધિનું નાટક કર્યું અને પછી કહ્યું કે અમે કુવાડવા સ્મશાનમાં વિધિ કરીની પાછા આવી તારા રૂપિયા અને ઘરેણા પરત આપીશું. જો કે ઘણો સમય થઇ ગયો છતા બંને ઠગ મહિલાઓ પાછી આવી નહીં. અંતે સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને મહિલાઓની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ બંને મહિલા ભત્રીજાવહૂ અને કાકીજી છે. બંને લૂંટના સોનાના દાગીના વેચવા નીકળી હતી જે દરમિયાન પોલીસે બંનેને ઝડપી પાડી હતી.