Mysamachar.in-રાજકોટઃ
રંગીલા રાજકોટમાં ધોળા દિવસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. અહીં RTO કચેરીમાં સવારે રેડિયમ લગાવવા જેવી સામાન્ય બાબતે સાહિલ નામના યુવકનો કેટલાક શખ્સો સાથે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ બંને પક્ષે સમાધાન પણ થઇ ગયું હતું. જો કે બપોરના સમયે ફરી કેટલાક શખ્સો RTO ઓફિસ દોડી આવ્યા અને અહીં કામ કરતાં સાહિલ પર ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલામાં સાહિલને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે સાહિલ નામનો યુવક RTO કચેરીમાં રેડિયમનું કામ કરતો હતો. આ દરમિયાન રેડિયમ ચોંટાડવા બાબતે સવારે બે શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. બાદમાં બપોરના સમયે બ્રેઝા કાર અને બુલેટમાં આવેલા શખ્સો ઘાતક હથિયારો વડે સાહિલ પર હુમલો કર્યો અને ડિટેઇન કરેલી ટ્રક લઇને ફરાર થઇ ગયા હતા. જ્યારે ઘાયલ સાહિલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો અને સાહિલના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હુમલો કરનાર શખ્સો શહેરના ભગવતીપરા વિસ્તારમાંથી આવ્યા હતા. જો કે પોલીસે આઈવે-પ્રોજેક્ટના સીસીટીવીના આધારે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. તો ધોળા દિવસે અને જાહેરમાં યુવકની હત્યાથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.