Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં રૈયાધાર વિસ્તારમાં એક પરિવારને ત્યાં પુત્રની સગાઇ યોજાઇ હતી, સગાઇ પહેલા પરિવારને ત્યાં દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે દાંડિયારાસ રમ્યા બાદ અચાનક સગાઇમાં આવેલા 175 જેટલા સંબંધીને આંખમાં સોજા આવી ગયા અને બળતરા થવાની ફરિયાદ ઉઠી. નાના બાળકોથી લઇને મોટેરાઓ આંખમાં બળતરાની ફરિયાદ કરી ચીચયારી કરવા લાગ્યા. બાદમાં તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે મોકરશી પરિવારના 175 લોકોને વહેલી સવારે સારવાર આપવામાં આવી છે. તમામને આંખમાં ઇન્ફેક્શન થયું છે. જો કે સગાઇની ખુશીમાં અચાનક વિઘ્ન આવ્યું હતું. તો બીજી બાજુ એક સાથે આટલા લોકોને કેવી રીતે આંખનું ઇન્ફેક્શન લાગ્યું તે બહાર આવ્યું નથી. તો આ ઘટનાને લઇને આસપાસના વિસ્તારોમાં પણ ભયની લાગણી ફેલાઇ છે.