Mysamachar.in-રાજકોટઃ
આવી પડેલી કુદરતી આફતને કારણે ખેડૂતો આર્થિક રીતે પડી ભાગ્યા છે. પહેલા સારો વરસાદ થતા જેમ તેમ કરી પૈસા ભેગા કરી બીયારણ લાવી વાવણી કરી, પરંતુ જેવો ખેતરમાં મોલ લહેરાવા લાગ્યો કે કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું પરિણામે અતિવૃષ્ટી જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા બે વર્ષથી ખેતીમાં પાયમાલી આવતા ધરતીપુત્રો હવે ધીમે ધીમે હિમ્મત હારી રહ્યાં છે અને ન ભરવાનું પગલું ભરવા મજબૂર બન્યા છે. આવી જ એક ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. અહીં મેવાસા ગામે ખેતી ધરાવતા 25 વર્ષિય હિરેન ગોવિંદ રાઠોડે પાક નિષ્ફળ જવાની ભયથી ખેતરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો.
બનાવની વિગત પ્રમાણે હિરેન બે ભાઇઓમાં નાનો હતો અને મોટોભાઇ મજૂરી કરતો હતો જ્યારે હિરેન ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગયા વર્ષે પાક નિષ્ફળ જતા તેનું કરજ આ વર્ષે સારા વરસાદથી ઉતરી જશે તેવી આશા હતી જો કે માવઠાએ સમગ્ર આશા પર પાણી ફેરવી દીધું. હિરેને આ વાત પોતાના મોટા ભાઇને પણ કરી હતી. પાક નિષ્ફળ જવાથી આઘાતમાં સરી પડેલા હિરેને ખેતરે જઇ પાકની વચ્ચે જ ઝેરી દવા ગટગટાવી લીધી. આ વાતની જાણ થતા તેના મામા મનસુખભાઇ મહિડા સારવાર અર્થે જેતપુર હોસ્પિટલે લઇ જઇ રહ્યાં હતા આ દરમિયાન રસ્તામાં મામાના ખોળામાં હિરેન માત્ર એટલું જ બોલ્યો કે 'મારો પાક બળી ગયો'. બાદમાં હોસ્પિટલ પહોંચે એ પહેલા જ હિરેનનું મોત નીપજ્યું. જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર શોક મગ્ન બન્યો છે, જ્યારે સરકાર તરફથી સહાય મળે તેવી માગ ગામના સરપંચ અને પરિવારજનો કરી રહ્યાં છે.