Mysamachar.in-રાજકોટઃ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલી ક્રાઇમની ઘટનાને કારણે અનેક કાયદા વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠ્યા છે. જો કે આ દરમિયાન લૂંટની ઘટનાને ખાસ મોડ્સ ઓપરેન્ડીથી અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમબ્રાંચે રૂપિયાની ઉઠાંતરી અને લૂંટ સહિતની 22 જેટલી ઘટનાને અંજામ આપનાર ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગના સાગરિત વાહન ચાલકને ઓઇલ ઢોળાયું છે તેવું કહી ધ્યાન ભટકાવતા ત્યારબાદ અન્ય સાગરિત વાહનમાંથી રોકડની ઉઠાંતરી કરતાં હતા.
પોલીસે ધરપકડ કરેલા સાગરિતોમાં રોસૈઆહબાબુ વસંતૈઆહ ગોડેતી, મધુ ભાસ્કર જાલા, અનિલ દયાકર મકાલા અને ચંદ્રમાં કોન્ડલીયા સરલાનો સમાવેશ થાય છે, આ તમામ મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, જેઓ રાજકોટમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ચારેય આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તેઓએ અત્યારસુધીમાં 22 ગુનાને અંજામ આપ્યો છે, જેમાં ગોંડલમાં એક બેંક બહાર કારચાલકને આંતરી લૂંટ ચલાવી હતી, આ ગેંગ પહેલા બેંક અને આંગડિયા પેઢીની રેકી કરતી ત્યારબાદ વાહન ચાલકનું ધ્યાન ભટકાવી લૂંટની ઘટનાને અંજામ આપતી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી બાઇક, ડિસ્કવર બાઇક, પ્લાસ્ટીકની થેલીઓ, 2 લાખ 46 હજાર રોકડ રકમ સહિત 3,36,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.