Mysamachar.in-રાજકોટઃ
રાજકોટના જેતપુરમાં રૂપિયા 8 લાખના લાંચ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે DySP જે એમ ભરવાડને ભાગેડુ જાહેર કર્યા છે. આ પહેલા 3 ઓગસ્ટે DySP ભરવાડે જામીન અરજી કરી હતી જે કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ જેતપુરમાં આરોપીને માર ન મારવા અને પુછપરછ ન કરવાના કેસમાં DySP જે એમ ભરવાડે રૂપિયા 8 લાખની લાંચ માગી હતી, જો કે એસીબીએ દરોડા પાડી DySP તરફથી લાંચ સ્વીકારવા જતા કોન્સ્ટેબલની રંગેહાથ ધરપકડ કરી હતી અને જે એમ ભરવાડ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર નહી મારવા તથા વિશેષ પુછપરછ નહી કરવા માટે પહેલા 10 લાખ અને ત્યારબાદ 8 લાખમાં સેટલમેન્ટ કરી લાંચ લેવાના આરોપસર જેતપુર સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઇ સોનારાની અમદાવાદ એસીબીએ ધરપકડ કરી હતી, બાદમાં પુછપરછમાં બહાર આવ્યું કે તેઓએ જેતપુરના DySP જે.એમ ભરવાડ વતી આ લાંચની રકમ સ્વીકારતા હતા. એસીબીએ જે એમ ભરવાડ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી હતી, જો કે જે એમ ભરવાડ પોલીસને હાથ લાગ્યા ન હતા. થોડા સમય બાદ અમદાવાદના સોલા ખાતે આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી DySP જે.એમ. ભરવાડની ખાનગી કાર પોલીસને મળી આવી છે. આ કારમાં DySP જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ પોલીસને મળ્યો છે, પરંતુ DySPના કોઈ સગડ મળ્યા નથી.