Mysamachar.in-રાજકોટઃ
સરકારી કચેરી હોય કે યોજના હોય, બધામાં લાભ મેળવવા માટે ઓળખાણ હોય તો ઝડપથી કામ થાય છે. તો કેટલીક જગ્યાએ તો નેતાઓ કે અધિકારીઓ સાથે વાત કરીને કામ કઢાવવામાં આવે છે. એવામાં કોઇ મંત્રી કે ધારાસભ્યનું કાર્ડ હોય તો કોઇ રોકવાવાળું હોતું પછી ભલે ને એ કાર્ડ નકલી હોય !. મંત્રી, ધારાસભ્ય અને SPના નકલી કાર્ડનો ગેરઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. આ કાર્ડનો ઉપયોગ કરી એક્સપ્રેસ વે પર આવેલા ટોલનાકાને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો, એટલું જ નહીં આઇકાર્ડ દેખાડી ટોલનાકાના કર્મચારીઓ પર દાદાગીરી કર્યાની લેખિતમાં અરજી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે ડુપ્લિકેટ આઇકાર્ડ બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
એક્સપ્રેસ-વેના મેનેજરે રેન્જ આઇજી પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી, જે અંતર્ગત તપાસ કરતાં જાણવા મળ્યું કે જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર પીઠડિયા અને ભરૂડી ગામે આવેલા બે ટોલબુથ પર આસપાસના ગામ લોકોના લાયસન્સ, રાજકારણીઓ, પોલીસકર્મીઓ તેમજ ઉચ્ચ અધિકારીના નકલી આઇડકાર્ડનો ઉપયોગ કરી ટોલનાકા પરથી ફ્રીમાં વાહન પસાર કરવામાં આવતા, એટલું જ નહીં જો ટોલનાકાનો કર્મચારી આઇકાર્ડ નહીં ચાલે તેમ કહે તો તેની સામે દાદાગીરી અને ધમકીઓ પણ આપવામાં આવતી. બાદમાં એક્સપ્રેસ-વેના અધિકારીઓએ સઘન ચેકિંગ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં તેઓએ 186 જેટલા આઇકાર્ડ અને લાયસન્સ સ્કેન કરતાં તમામ નકલી હોવાનું સામે આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આવી રીતે ખોટા આઇકાર્ડના ઉપયોગથી ટોલનાકાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે સમગ્ર બાબતે રેન્જ આઇજી રાજકોટને પત્ર લખી ઉંડાણપૂર્વક તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે.