Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં બે વર્ષ પહેલા યુવકના આપઘાત કેસમાં નવો વણાક આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, ઉલ્ટી ગંગા સમાન આ કિસ્સામાં સાસુ-સસરા અને પત્નીના ત્રાસથી કંટાળી યુવકે પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવકે આપઘાત કરતાં પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પત્ની, સાસુ-સસરા દ્વારા અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આ સુસાઇડ પર હસ્તાક્ષરની યોગ્ય ખરાઇ કરવામાં પોલીસને બે વર્ષનો સમય લાગ્યો, અંતે પોલીસે આરોપી પત્ની, સાસુ-સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
બનાવની વિગત પ્રમાણે આજથી બે વર્ષ પહેલા રાજકોટ શહેરમાં આવેલા અવધ રોડ પર સ્થિત વીર સાવરકર ક્વાર્ટરમાં રહેતાં 41 વર્ષિય મનિષ વાળગીયાએ પોતાના નવા ઘરે પેટ્રોલ છાંટી સળગીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં મૃતક વ્યક્તિના પિતાએ કે જેઓ નિવૃત બેંક મેનેજર હતા તેઓએ મૃતકના પત્ની, સાસુ-સસરા કે જેઓ દ્વારકાના રહેવાસી છે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ તપાસમાં મૃતકના ઘરેથી સુસાઇડ નોટ મળી આવી હતી.પોલીસે સુસાઇડ નોટની ખરાઇ કરવા માટે ગાંધીનગર FSLને મોકલી હતી.
સુસાઇડ નોટમાં મૃતક યુવકે જણાવ્યું હતું કે ‘શિતલ એટલે કે તેની પત્નીના પિતા શિક્ષક છે, પરંતુ શિક્ષકને શોભે તેવા એક પણ લક્ષણો જોવા મળતા નથી. ખાસ કરીને શીતલ અને તેના માતા-પિતાની જીભ અંદાજે એક-બે કિ.મી. લાંબી છે. બોલવામાં કોઈ જાતની સભયતા નથી, જો હું કોઈ કારણસર મારી જીંદગી ટુંકાવીશ તો તેના માટે માત્રને માત્ર શીતલ અને તેના માતા-પિતા જ જવાબદાર રહેશે. હું ભગવાન પાસે એવી પ્રાર્થના કરીશ કે જે રીતે મને હેરાન કર્યા છે તેવી જ રીતે ભગવાન પણ તેને યોગ્ય બદલો આપે. મારા સાળા એટલે કે હાર્દિક અને રજતને પણ મારી જીંદગી જેવી મળી છે, તેના કરતા પણ વધારે ખારી મળે એટલે કે મને જેટલો મારી પત્ની, સાસુ-સસરા તરફથી હેરાન કરવામાં આવે છે, તેટલા જ પ્રમાણમાં મારા સાળાઓને તેના સાસુ-સસરા અને પત્ની તરફથી વર્તન મળે અને હું જે રીતે હેરાન થાવ છું તે જ રીતે તેઓ પણ હેરાન થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ’ સ્યુસાઈડ નોટમાં નીચે મૃતક મનિષે સહી કરી હતી. ગાંધીગ્રામ-૨ પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જે કરી હસ્તાક્ષર નિષ્ણાત પાસે ગાંધીનગર એફએસએલમાં મોકલી હતી. જો કે આ હસ્તાક્ષરની ખરાઇ કરવામાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગ્યો, અંતે સુસાઇડ નોટની ખરાઇ થતા રાજકોટ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.