Mysamachar.in-રાજકોટઃ
હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર દરરોજ નવી નવી સ્કીમ અને ડિસ્કાઉન્ટ આપવાની ઓફરો શરૂ થઇ છે. જો કે કેટલાક લેભાગુ તત્વો આ તકનો લાભ લઇને રૂપિયા ખંખેરી લેવાનું રેકેટ ચલાવી રહ્યાં છે. રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની લાલચ આપી છેતરપીંડિ કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દિવેન ચાવડા અને નૂપુર ઠક્કર નામના બંને વિદ્યાર્થી છે. આ બંને સોશિયલ મીડિયા સાઇટ ઇંસ્ટાગ્રામ સહિક અને વેબસાઇટ પર સસ્તા ભારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અપાવવાની જાહેરાતો મૂકતા હતા, ત્યારબાદ જો કોઇ વ્યક્તિ તેમની પાસેથી વસ્તુ મગાવે તો આ બંને એડવાન્સમાં પૈસા લઇ લેતા હતા, જો કે પૈસા લીધા બાદ બંને વસ્તુની ડિલિવરી કરતાં ન હતા. પોલીસે બંને વિદ્યાર્થી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને લઇને બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, એટલું જ નહીં ઓનલાઇન શોપિંગ વેબાસાઇટ પર પણ અનેક ઓફરો આવી રહી છે, એવામાં છેતરપીંડિ આચરતા લોકો સક્રિય છે, એવામાં લોકોએ સાવધાની રાખવી આવશ્યક બની ગયું છે.