Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. મુખ્યમંત્રીનું ગામ ગણાતા રાજકોટમાં જાહેરમાં એક 8 વર્ષની માસુમના અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું. શહેરનાં ભોમેશ્વર વિસ્તારમાં આવેલા ભરવાડ પરામાંથી એક બાઇક ચાલકે 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું છે. વિકલાંગ માતા-પિતાની આઠ વર્ષની દીકરી તેની દાદી સાથે શરદ પૂનમની ગરબીમાં લ્હાણી લેવા ગઇ હતી. બાદમાં તે મોડી રાતે પરત ફરી રહી હતી ત્યારે બાઇક સવારે તેનું અપહરણ કર્યું હતું. નરાધમે બાળકીને પીંખીને અવાવરુ જગ્યાએ મૂકી જતો રહ્યો હતો, ત્યારબાદ અહીંથી કાર લઇને પસાર થતા એક દંપતીએ બાળકીને તેના ઘરે પહોંચાડી હતી.
રંગીલા રાજકોટને દાગ લગાડતી ઘટના સામે આવી છે. 8 વર્ષની બાળકી શરદ પુનમની રાતે ગરબામાંથી દાદી સાથે પરત આવતી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક બાઇક ચાલકે દાદીને લિફ્ટ આપવાનું કહ્યું. દાદી બાઇક પર બેસે તે પહેલા જ નરાધમ બાળકીને બાઇક પર બેસાડી રૈયા ગામ નજીક અવાવરું જગ્યાએ લઇ ગયો હતો, અહીં તે બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ આ જગ્યાએથી કારમાં પસાર થઇ રહેલા એક દંપતીએ બાળકીને ઘરે પહોંચાડી હતી, બાળકીના પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં પોલીસે અપહરણ અને દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી જાણભેદુ હોવાની શંકા છે. જો કે હાલ આરોપી પોલીસ પકડથી દૂર છે. પરંતુ ફરી એકવાર રાજકોટમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિની લઇને સવાલો ઉઠી રહ્યાં છે.