mysamacar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન હોય તેવામાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ભાજપના ચૂંટાયેલા બે સભ્યો વિરુદ્ધ ગ્રાન્ટના દુરુપયોગ કર્યાની ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતાં આ મામલાએ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામ્યો છે,
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન ગોરીયા અને ઉપપ્રમુખ પી.એસ.જાડેજાએ આધાર-પુરાવા સાથે ભાજપના બે સભ્યો વીરાભાઈ મોરી અને રાજીબેન પરમાર સામે ગ્રાન્ટનો દુરુપયોગ કરીને બંને સભ્યએ અંગત કામમાં વાપરી ભ્રષ્ટાચાર કરી હોદ્દાનો દુરુપયોગ કર્યાના આધાર પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ ચોકાવનારી ફરિયાદ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવા વર્ષથી જ ડખ્ખાની શરૂઆત થતા નવાજુનીના એંધાણ દેખાઈ રહ્યા છે,
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં ભાજપના બે સભ્યો પૈકી રાજીબેન પરમાર સામાજિક ન્યાય સમિતિના અને વીરભાઈ મોરી સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન છે,
વધુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું હાલ શાસન છે અને સત્તાના સૂત્રો કોંગ્રેસ પાસે હોવા છતાં ભાજપના બે સભ્યો સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાની ફરિયાદ કરતા આશ્ચર્ય સર્જાયું છે અને એકાએક આવી ફરિયાદ દિવાળીના તહેવાર બાદ બહાર આવતા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હોય અને આક્ષેપો સાથે ભ્રષ્ટાચારની ફરિયાદની શરૂઆત થતાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાજકારણમાં ચકચાર જાગી છે.
સક્ષમ અધિકારીને તપાસ સોંપાશે:DDO આર.આર.રાવલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ભાજપના બે સભ્યો વિરુદ્ધ ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની આધાર-પુરાવા સાથે D.D.O. તેમજ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તેવામાં આ મામલે D.D.O. આર.આર.રાવલએ Mysamachar.inને પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે સક્ષમ અધિકારી દ્વારા આ મામલાની તપાસ કરાવી અને નિયમ મુજબ જે કોઈ કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે.