Mysamachar.in-જામનગર
ગુજરાત અને દેશમાં નકલીની ભરમાર છે, વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ કક્ષાના અધિકારીથી માંડીને જામનગરમાં નકલી પોલીસ સુધી સર્વત્ર નકલીઓનું સામ્રાજ્ય પથરાયેલું છે, જેની ત્રૂટક ત્રૂટક વિગતો થોડાં થોડાં સમયે બહાર આવી રહી છે, જેમાં ફાંસીની સજાની કોઈ જ જોગવાઈ પણ નથી. બનાવટી દૂધથી માંડીને બનાવટી ઘી સુધીનો કારોબાર પણ કરોડોનો છે, જેમાં સમાજના દુશ્મનોને દીવાલમાં જીવતાં ચણી દેવાની કોઈ જ જોગવાઈ નથી. આ પ્રકારના પ્રકરણોમાં થોડાં સમય પૂરતો ઉહાપોહ મચે એટલું જ, બાકી કોઈને દાખલારુપ સજાઓ થતી નથી, આવું વધુ એક પ્રકરણ નકલી ટોલનાકાનું જાહેર થયું છે, જેમાં જામનગર જિલ્લાનું કનેક્શન પણ ખૂલ્યું છે, જો કે આરોપીને કોઈ જ આકરી સજા થવાની નથી- લખી રાખો !!
નેશનલ હાઈવે જેવી મહત્વની જગ્યા પર આ કુંડાળું લાંબા સમયથી ધમધમી રહ્યું હતું અને સૌ સંબંધિત જવાબદારોએ આંખો બંધ રાખી ! મહત્વનો મુદ્દો એ છે કે, સફેદ લૂંટ ઉઘાડેછોગ ચાલી રહી હોય ત્યારે તે લૂંટને જે લોકોએ ચાલવા દીધી, એ લોકો વિરુદ્ધ આડકતરી મદદગારીનો ગુનો શા માટે દાખલ ન થઈ શકે ?! એ મુદ્દો લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
જાહેર થયેલી વિગતો એવી છે કે, બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક આ બનાવટી ટોલનાકું લાંબા સમય સુધી ચાલ્યું !ગુનેગારો ચલણી નોટો ખિસ્સામાં અને તિજોરીમાં ઠાંસીઠાંસીને ભરતાં રહ્યા, ત્યાં સુધી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિતના જવાબદારો અન્ય મહત્વના કામોમાં વ્યસ્ત રહ્યા, હાઈવે પર ચોવીસેય કલાક ચાલતી આ સફેદ લૂંટ તેઓને દેખાઈ નહીં !! આ અધિકારીઓની ક્ષમતા, સજ્જતા અને કોમનસેન્સ કેટલી ? એ પ્રશ્નનો જવાબ સૌ સમક્ષ ઉઘાડો પડી ગયો.
વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા બાયપાસ કરી, ખાનગી જમીન પર રસ્તો બનાવીને કેટલાંક શખ્સોએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અહીં કરોડો રૂપિયા એકત્ર કર્યા અને તે દરમિયાન જવાબદાર અધિકારીઓ સૂતાં રહ્યા. ટોલનાકા કરતાં અડધાં ભાવે અહીં વાહનચાલકો પાસેથી ઉઘરાણાં થતાં રહ્યા, જવાબદારોની આંખો મીંચાયેલી રહી.
આ બનાવટી ટોલનાકા મામલે અમરશી પટેલ (માલિક, વ્હાઇટ હાઉસ સિરામિક કંપની), વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. અમરશી પટેલ જયરામ પટેલનો પુત્ર છે. જયરામ પટેલ સીદસર (જામજોધપુર, જિલ્લો જામનગર) ઉમિયાધામના પ્રમુખ છે. અને ખૂબ વગદાર વ્યક્તિ છે. CM સાથે વિશેષ સંબંધો ધરાવે છે. અને સેવાભાવી હોવાની પ્રતિષ્ઠા પણ ધરાવે છે.
આ સમગ્ર પ્રકરણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ થયા પછી સરકાર સુધી તેનો તાપ પહોંચી ગયો. સરકાર વતી પ્રવક્તામંત્રી ૠષિકેશ પટેલએ નિવેદન આપ્યું છે કે, પ્રાંત અધિકારી અને DySPની ટીમ ટોલનાકાની મુલાકાતે પહોંચી છે. રિપોર્ટ આપશે. જે પણ કસૂરવાર ઠરશે તેની વિરુદ્ધ ચોક્કસપણે પગલાંઓ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નકલી સરકારી કચેરી બાદ નકલી ટોલનાકું પણ જાહેર થઈ જતાં- લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર બેફામ લખી રહ્યા છે અને સૌ જવાબદારો મીંઢા રહી, આ બધું જ વાંચી રહ્યા છે. જો કે તેઓની ચામડી જાડી હોય છે તેથી તેઓને ટીકાઓથી કશો જ ફરક પડતો હોતો નથી. થોડાં જ સમયમાં સૌ બધું ભૂલી જશે. વળી આ પ્રકારના કોઈ નવા સમાચાર બજારમાં આવી જશે !!