Mysamachar.in-જામનગર
ભગવાન શિવની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસ…. આજે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, શ્રાવણ માસની શરૂઆત થતા શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગાન ગુંજી ઉઠ્યો છે. અનેક મહાલયોમાં શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે છોટીકાશીનું બિરુદ પામલે જામનગર શહેરના કેટલાય મહાદેવના મંદિરમાં પણ મોટી સંખ્યમાં શિવભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે, મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોના ગાઈડલાઈન સાથે મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે છુટ મળી છે જેમાં કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
આ વખતે આજે એટલે તા.9 ઓગષ્ટથી શ્રાવણ માસની સોમવારથી શરૂઆત થઈ છે જે 6 સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થશે. મહત્વનું છે કે લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઇને શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે.. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે. છોટીકાશીનું બિરુદ એવા જામનગરમાં સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર,હજારેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

























































