Mysamachar.in-જામજોધપુર:
આમ તો જામજોધપુર વિસ્તાર દારૂ અને જુગારની બદી માટે ખૂબ જાણીતો વિસ્તાર છે,એવામાં ગતરાત્રીમાં જામજોધપુર નજીકની વાડીમાં જુગારધામ જામ્યું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.2.61 લાખની મતા સાથે ઝડપી પાડયા છે,
જાણવા મળતી વિગતો પ્રમાણે જામજોધપુર તાલુકાના ગીગણી રોડ પર ખારવા સીમમાં મુકેશ જેરામભાઇ કડીવાર નામનો શખ્સ પોતાની વાડીમાં જુગાર રમાડી રહ્યો હોવાની જામનગર એલસીબીના સ્ટાફને ચોકકસ હકિકત મળી હતી.આ હકિકતના આધારે સ્ટાફે ગઇકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે દરોડો પાડયો હતો ૫ શખ્સોને તીનપતીની મોજ માણતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના સ્થળ પરથી રૂા.1,71,000ની રોકડ અને ત્રણ મોટરસાઇકલ સહિત રૂા.2,61,000નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી જામજોધપુર પોલીસ હવાલે કર્યા હતાં,
જે વાડીમાં જુગારધામ ધમધમતું હતું તે વાડીના માલીક મુકેશભાઇ જામજોધપુર નગરપાલિકામાં વોર્ડ નં .૬ માંથી કોંગ્રેસ પક્ષમાંથી સદસ્ય તરીકે ચુંટાયા છે જ્યારે અન્ય આરોપી કરશનભાઇ ભાજપના પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. આ ઉપરાંત આરોપી ધર્મેશ માંકડીયા વ્યવસાયે વકીલ હોવાનું તો અન્ય એક આરોપી સુરેશ માંકડીયા ગર્વમેન્ટ કોન્ટ્રાકટર હોવાનું સામે આવ્યું છે.આમ જુગાર રમવામાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ જોવા મળ્યા હતા,
જુગારના આ દરોડાએ જામજોધપુર પંથકમાં સારી એવી ચર્ચા જગાવી છે.