mysamachar.in-જામનગર:
દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં આ વર્ષે અપૂરતો વરસાદ પડવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ડેમોમાં પણ જોઈએ તેટલા નવા પાણીની આવક થવા પામેલ નથી ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના અમુક વિસ્તારોના ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરવાની શરૂઆત થઈ ચૂકી છે ઘાસચારાથી માંડીને પાણીની તંગી ઊભી થતાં માલધારી તેમજ ખેડૂતોમાં હવે બૂમરાળની શરૂઆત થઈ રહી હોય આજે મળેલી ડિસ્ટ્રીક બેન્કની સાધારણ સભામાં પણ જામનગર અને દ્વારકા જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને તે ઠરાવ સરકારમાં મોકલવામાં આવશે,
જામનગર જીલ્લામાં ખાસ કરીને ધ્રોલ-જોડિયા જામનગર તાલુકો અને જામજોધપુર તાલુકામાં આ વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી ખેડૂતોમાં ચિંતા જન્મી છે ત્યારે લાલપુર તાલુકાનાં ખેડૂતો દ્વારા લાલપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે,
લાલપુર તાલુકામાં ઓછો વરસાદ પડેલ હોવાથી અછતગ્રસ્ત જાહેર કરીને નર્મદાનું પાણી,પશુ માટે ઘાસચારો,ખેડૂતોને વીમો તથા દેવમાફી મળે તેવી આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી છે અને લાલપુરના ખેડૂતો દ્વારા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર દ્વારા વાકેફ કરવામાં આવ્યા છે,