Mysamachar.in-ગુજરાત
દિવાળીને હવે માત્ર સાત દિવસની વાર છે, ત્યારે ખાસ કરીને જામનગર સહીત રાજ્યભરની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ-અધિકારીઓ પાસે વર્ષભર કામ કરાવતા લોકો, કંપનીઓ, કોન્ટ્રાકટરો વગેરે કર્મચારીઓ અધિકારીઓ પોતાની ફેવરમાં રહે તે માટે ગીફ્ટ રોકડ વગેરે ખાસ તો છેલ્લા છેલ્લા દિવસોમાં આપવા જતા હોય છે, પણ દરવર્ષની જેમ આ વર્ષે પણ એસીબી આવી લેવડ-દેવડ પર નજર રાખશે અને જરૂરી જણાયે જ્યાં કાર્યવાહી કરવાની જરૂર લાગે ત્યાં કાર્યવાહી પણ થશે..
એસીબીના આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે દિવાળીના તહેવારોમાં કેટલાક સરકારી બાબુઓ પૈસાના કવર તેમજ મોંઘી ગિફ્ટ કોન્ટ્રાકટર સહિતના લોકો પાસેથી લેતા હોય છે. આવા તમામ સરકારી બાબુઓ ઉપર નજર રાખવા માટે એસીબીએ રાજ્યભરમાં જુદી-જુદી સરકારી કચેરીઓની આસપાસ એસીબી ટીમના અધિકારીઓ કર્મચારીઓની ટીમો ગોઠવી છે, જે આવી ગીફ્ટ સહિતની લેતીદેતી પર નજર રાખશે,
એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર પણ લાંચની વ્યાખ્યામાં આવે છે, જેથી દિવાળીના તહેવારોના નામે લેવાતી લાંચ રોકવા તેમજ લાંચિયા બાબુઓને રંગેહાથે પકડવા માટે દિવાળીના અઠવાડિયા પહેલાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવે છે.અને જરૂર પડ્યે જરૂરી કાર્યવાહી પણ કરશે. મોટાભાગે સરકારી કચેરીઓમાં મીઠાઈ તેમજ નાની-મોટી ગિફ્ટ આપવા આવતા વેપારીઓ દરેક સ્ટાફ મેમ્બર માટે પેકેટ આપતા હોય છે, પણ જો કોઇ વેપારી મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર આપવા આવ્યા હોવાની શંકા જાય તો એસીબી તેને ચેક પણ કરશે અને જો લાંચની વ્યાખ્યામાં આવશે તો કાર્યવાહી પણ થશે.