Mysamachar.in:ગાંધીનગર
કોઈ પણ ઉદ્યોગમાં સ્થાનિક સ્તરે લોકોને રોજગારી ઉપલબ્ધ થાય છે કે કેમ ? તે મુદ્દો મહત્ત્વનો હોય છે. અને તેથી જ સરકારે આ માટે નિયમ બનાવ્યો છે કે, ઉદ્યોગમાં 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે. પરંતુ અન્ય કેટલાંક નિયમો માફ્ક આ નિયમ પણ મોટાભાગના કિસ્સાઓમાં માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે ! ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં આપેલાં એક જવાબ પરથી આવું સમજાઈ રહ્યું છે.
અમદાવાદનાં એક ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં ગુરૂવારે પ્રશ્ન પૂછ્યો હતો, કે ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવાનાં મુદ્દે શહેર અને જિલ્લામાં સ્થિતિ શું છે ? આ પ્રશ્નના જવાબમાં સરકારે અમદાવાદ જિલ્લાના આંકડા આપ્યા અને સાથેસાથે એ પણ જણાવ્યું હતું કે, આ નિયમનો ભંગ કરનાર એકમોને નોટિસ આપવામાં આવી છે. (જો કે આ પ્રકારના કેસોમાં માત્ર નોટિસો જ આપવામાં આવતી હોય છે, પછી કશું થતું નથી !)
સરકારે આ જવાબ વિધાનસભામાં આપ્યો ત્યારે એમ પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં ગુજરાતમાં આવેલાં ઘણાં ઔદ્યોગિક સાહસો પણ સ્થાનિકોને રોજગારીના આ નિયમનો ભંગ કરી રહ્યા છે. જે ઉદ્યોગો, સંસ્થાઓ આ નિયમનો ભંગ કરે છે તેની યાદી વિધાનસભા ગૃહમાં આ પ્રમાણે જાહેર કરવામાં આવી : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કંપની, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, મેટસો મિનરલ ઈન્ડિયા પ્રા.લિ., છાજેડ ઈન્ડસ્ટ્રીઝ, સુઝુકી મોટર, ફોર્ડ ઈન્ડિયા, ટાટા મોટર્સ, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર, હિન્દુસ્તાન કોકાકોલા બિવરેજિસ અને અન્ય કેટલીક કંપનીઓ.
સરકારે આ કંપનીઓનાં બચાવમાં વિધાનસભામાં એમ પણ કહ્યું કે, આ કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ખાસ ધ્યાન આપી રહી છે એવું કંપનીઓએ સરકારને એક કરતાં વધુ વખત કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અદાણી કંપની પણ સ્થાનિકોને રોજગારીના મુદ્દે નિયમનો ઉલાળિયો કરે છે, એવું પણ વિધાનસભા ગૃહમાં રેકર્ડ પર નોંધાયું હતું.