Mysamachar.in-મોરબીઃ
કહેવત છે કે મન હોય તો માળવે જવાય, આ કહેવતને સાચ અર્થમાં સાર્થક કરી બતાવી છે મોરબીના એક યુવકે, હળવદ તાલુકાના માથક ગામમાં રહેતા વિશાલ બાળપણમાં પતંગ પકડવા જતા શોર્ટ સર્કિટનો ભોગ બન્યો અને નાની ઉંમરમાં હાથપગ ગુમાવ્યા હતા, જો કે તેમ છતા તેણે હિંમત ન હારી અને ઘોડેસવારી, વાહન ચલાવવાનું શીખી લીધું. અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા બાદ વિશાલને બીજો એક મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેના પિતાએ નકામો સમજી તરછોડી દીધો, બાદમાં માતાએ દિકરા વિશાલનો સાથ આપ્યો અને પતિને છોડી તેના સગાભાઇને ત્યાં રહેવા જતી રહી, ત્યારબાદથી વિશાલ મહેસાણા નજીક નગર ગામમાં રહેવા આવી ગયો. અહીં વિશાલ એક દિવ્યાંગ શાળામાં અભ્યાસ કરે છે, અહીં પણ વિશાલે પોતાની આવડત દેખાડી અને ધોરણ 9માં 84 ટકા મેળવ્યા અને હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે.
હાથપગ ગુમાવ્યા બાદ વિશાલ બેસી રહેવાને બદલે પોતાના તમામ શોખ પુરા કરવાનું વિચાર્યું અને ટૂંક સમયમાં જ ઘોડેસવારી શીખી લીધી. તો હાથ ન હોવા છતા બાઇક અને કાર શીખી લીધી. વિશાલને ડાન્સ કરવાનો પણ શોખ છે આ બધાની વચ્ચે આંગળીયો ન હોવા છતાં મોતી જેવા અક્ષરે લખી પણ શકે છે કુદરતે આપેલી ખામીઓ વચ્ચે વિશાલ અનેક ખૂબીઓ શીખી નાની બાબતીમાં ઉદાસ થતા યુવાનો માટે પ્રેરણા રૂપ ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. વિશાલનું કહેવું છે કે ભણી-ગણી તેને મામલતદાર બનવું છે, અને અન્ય યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે જીવનમાં આવતા ઉતાર-ચઢાવથી ઉદાસ થઇને કોઇ ખોટું પગલું ભરવું નહીં, પોતાના પર વિશ્વાસ રાખી આગળ વધવું જોઇએ.