Mysamachar.in-રાજકોટ:
રાજકોટ મોરબી હાઇવે પર ગૌરીદડ નજીક પાર્ક કરાયેલી કારને પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેઇનરે ઉડાવી બે બાઇકને પણ ઉલાળ્યા હતા. કારમાં બેઠેલા કચ્છના મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે સાત લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.ગૌરીદડમાં હાઇવે પર મંગળવારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં એક ઇકો કાર ઉભી રહી હતી, કારમાંથી પુરૂષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા જ્યારે મહિલાઓ કારમાં બેઠા હતા, તે વખતે જ એક કન્ટેઇનર પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું અને ઇકો કારને ઉલાળી હતી, કાર 25 ફૂટ સુધી દૂર ધકેલાઇ હતી અને કારનો કડુસલો બોલી ગયો હતો. કન્ટેઇનર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બે બાઇકને પણ ઉલાળ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કચ્છ માંડવીના અમૃતબેન નાથાણીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, અન્ય બે બાઇકના ચાલક સહિત ત્રણને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોચી કન્ટેઇનર ચાલક બિહારના રવિન્દ્રકુમાર પાલની અટકાયત કરી હતી. રવિન્દ્રકુમારે કેફિયત આપી હતી કે, પોતે ત્રિશુલ ટ્રાન્સપોર્ટમાં સાત વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. પોતે કચ્છ તરફ કન્ટેઇનર ચલાવીને જતો હતો ત્યારે ગૌરીદડ પાસે અચાનક જ બાઇક ચાલક આડે ઉતરતા તેને બચાવવા જતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કન્ટેઇનર કાર સાથે અથડાઇ હતી.પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.