સૂત્રો કહે છે કે અમુક સર્ક્યુલર ઠરાવથી “જાડા” એ બેઠકમાં ખાનગીમાં જમીન પ્રકાર તબદીલ કરતો ઠરાવ પણ થઇ ગયો ત્યારે જોવાનુ એ છે કે સરકાર પ્રોવિઝનલ જાહેરનામું બહાર પાડી વાંધા સુચન માંગે છે કે કેમ?? કેમકે અમુક સ્થાનિકો જેમનો ગજ થોડો થોડો વાગે છે તેઓ નારાજ છે પરંતુ ચોક્કસ લોકો ધારે તે થાય ને?? આ તમામ પ્રક્રિયા ખુલીને પારદર્શી રીતે થાય તો તેમાં શું વાંધો? શા માટે ગુપચુપ ચકરડા ફરે છે અને બાદમાં સમાચારો બને છે’

જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ હેઠળના કનસુમરા ગામના અમુક સર્વેનંબરો જે એગ્રીકલ્ચર ઝોન છે તેમાં પણ દરેડ વગેરેની જેમ ૨૦૩૧ સુધી અમલમાં છે તે મુળ વિકાસ નકશા અમલમાં રહ્યા બાદ ફરી ઝોન ફેર થયો છે ત્યારે આ બાબત જુલાઇ માસમાં ચર્ચાતી હતી તેને સમર્થન મળ્યું છે અને ઝોનફેર સફળ થયા બાદ કેટલાયને તેના મીઠાફળો મળ્યા છે
જાડામાં લોકોના રેગ્યુલર કામ તો ટલ્લે જ ચડે છે વિકાસ કરવાનુ કોઇ નામ લેતુ નથી ને ફાયદો હોય ત્યારે જ જનરલ બોર્ડ મળે છે ત્યારે હાલ ફરીથી જાડા હેઠળના કનસુમરાના અમુક વિસ્તારો એગ્રીકલ્ચર માથી ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવાની હિલચાલ ક્યાંકથી શરૂ થઇ હતી જેથી લોકોને ખરડાયેલા અગાઉના ઝોનફેર ફરી તાજા થયા હતા
હાલના ઝોનફેરમાં અગાઉના ઝોન ફેરમાંથી તાગ લઇ જુદ જુદા ખેલ ગુપ્ત રીતે પડાયા હતા તેમ પણ અમુક નેતાઓની ચર્ચાઓ સાંભળવા મળી છે કેમકે જેવો વાયરો શરૂ થયો કે તરત જ “હાલ આવુ કંઇ નથી…….” તેવી હવા ફેલાવવાની પણ શરૂઆત થઈ હતી.
દરમ્યાન જાડામાં શહેરના જાણીતા એક્ટીવીસ્ટ પણ આ અંગેની અરજીઓ અને માહિતીઓ માંગી હતી અને હવે ખરેખર ઝોનફેર ની જાડાની દરખાસ્ત ઉપર સરકાર અને સંગઠનના અમુક લોકો વચ્ચે જો બધુ સમુ નમુ ઉતરશે તો સરકાર આગામી ટૂંકા દિવસોમાં નોટીફીકેશન પણ જાહેર કરશે..

કનસુમરાની જમીન અંગે કોઇ સ્થાનીક અને કોઇ ઉપરના એમ મળી ને ગોઠવણ કોના હિતમાં કરી રહ્યા છે? આ ધુંધવાતી આગ જેવા વિષય અંગે દક્ષિણનો પવન વધુ આગ લગાડશે તેમ ચર્ચા થતી હતી તે મુજબ જ કનસુમરાની એગ્રીકલ્ચર ઝોનની જમીન સ્થાનિક વિરોધ વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી હાજર સભ્યોની જનરલબોર્ડમાં સહી લઇ ઉપરથી આદેશ હતો તે મુજબની ડ્રાફ્ટીંગ કરી દરખાસ્ત સરકારમાં મોકલાઇ છે તેમજ સુત્રો જણાવે છે કે જાહેરનામુ તૈયાર જ છે બસ પ્રસિદ્ધ થવાની જ વાર છે
_ટૂંકા કદનું નામ ધરાવતા વ્યક્તિની કળા….
જ્યારે પણ ઝોનફેર પ્રકરણ હોય ત્યારે એક ટૂંકા કદનું નામ અને શ્વેત વસ્ત્રધારી એક વ્યક્તિ કેટલાક દિવસો માટે મેદાને આવે છે તે અનેક ઓફિસો, ખાનગી સ્થળો અને કેટલાકના બંગલા ખાતે ખાનગી બેઠકો કરે છે અને ખેલ કેમ પાર ઉતરે તેની વ્યૂહરચના ઘડે છે, આ પ્રકરણ માટે અને આવનાર નવા વધુ 2 પ્રકરણ માટે પણ આ ટૂંકાકદના નામ ધારી બધી જ ગોઠવણો કરવા એડીચોટી નું જોર લગાવી રહ્યા છે હાલમાં જે ઝોન ફેર થયો તેમાંથી અમુકની સાતમ આઠમ સુધરી તો હવે કદાચ અમાસનો મેળો સુધરે તો નવાઇ નહી તેવી ચર્ચાઓ સાંભળવા મળી છે અને જો બીજા બે ઝોનફેર આવશે તો ભાદરવો ભરપૂર થશે તેમ પણ જણાવ મળે છે
_બધી સૂચનાઓ ઉપરથી બધાને હોય તો….?
જ્યારે પણ અલગ અલગ ઝોન ચેન્જ કરવાની વાત હોય તો લગત અધિકારીઓ કે પછી જેમની હોદાની રૂએ સહીઓ આવે છે તેને આ અંગે પૂછવામાં આવે તો સૌ “ઉપર”ને આગળ કરી દે છે કે અમને ઉપરથી સૂચના છે ચાલો માન્યું કે ઉપરથી સૂચના છે તો અહીં સ્થાનિક કક્ષાએ જે લેવડ દેવડના કથિત આંકડાઓ ફરતા થાય છે તેનું શું…? તેવી ચર્ચાઓનો જાણકારોમાં ગણગણાટ છે.