Mysamachar.in-અમદાવાદ
દિવસે ને દિવસે ગુન્હાખોરીની સંખ્યામાં થઇ રહેલા વધારામાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે, એવામાં અમદાવાદની એક મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાની ભારે પડ્યું છે. મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે, શહેરમાં વસવાટ કરતા ચેતનાબેન નામની મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. લગભગ 6 મહિના પહેલા ચેતનાબેને મેટ્રિમોનિયલ સાઈટ પર ઓનલાઈન બાયોડેટા ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન 6 જૂન 2020ના રોજ અતુલ શર્મા નામના માણસે ચેતનાને મેસેજ કરીને કહ્યું હતું કે, તેણે મેરેજ સાઇટ ઉપર તેમની પ્રોફાઈલ જોઈ હતી. જેના આધારે તેમને ફોન કર્યો હતો.
ફોન કરીને જણાવ્યું કે હું યુ.કે.રહું છું અને મારે તારી સાથે લગ્ન કરવા છે, હું તને ગિફ્ટ મોકલવાનો છું,’ તેમ કહીને ગઠિયાએ શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકીને ગિફ્ટ મોકલવાની વાત કરી હતી. જ્યારે ગઠિયાની મહિલા સાગરીતે શિક્ષિકાને ફોન કરીને એરપોર્ટ ચેકિંગમાંથી બોલતી હોવાનું કહીને યુકેથી ગિફ્ટ આવી હોવાથી કરન્સી ચેન્જ કરવાના અને ટેક્ષના મળીને રૂ.65 હજારનું ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને પૈસા પડાવી લીધા હતા. આ તમામ પ્રક્રિયાઓ બાદ ચેતનાને ગિફ્ટ મોકલી ન હતી, જ્યારે તેણે તપાસ કરતાં પોતે છેતરાઇ હોવાની જાણ થતા આ અંગે તેણે પહેલાં રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.