Mysamachar.in-વલસાડ:
રાજ્યમાં વધુ એક વખત નકલી ચલણીનોટો ઝડપાઈ છે, અને પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી છે, વલસાડ જિલ્લા SOGની ટીમને મહારાષ્ટ્રના નાસિક થઈ કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં રૂ 500ના દરની ડુપ્લીકેટ નોટનો જથ્થો લઈને યુવક બાઈક ઉપર આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. વલસાડ SOGની ટીમે બાતમીના આધારે કપરાડા RTO ચેકપોસ્ટ ખાતે વોચમાં ઉભા હતા. આ દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા તેને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂ. 500ના દરની 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કપરાડાના કિશન કાળુભાઇ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. રૂ 500ના દરની કલર પ્રિન્ટ કરેલી નોટ અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબકમાંના બાફણવીહીર ગામમાં રહેતા માધવ રામદાસ બાંભણે કપરાડા ખાતે રહેતા અજાણ્યા ઇસમને રૂ. 2.93 લાખના દરની ડુપ્લીકેટ નોટ આપીને તેની પાસેથી રૂ 40 હજારની ખરી નોટ લેવા અંગે જણાવ્યું હતું. આ કામ કરવાના કિશનને રૂ.5 હજાર આપવાની વાત થઈ હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. SOGની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે FIR નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે. ડુપ્લિકેટ નોટ ઘૂસાડવાનો મુખ્ય આરોપી નાસિકના ત્ર્યંબક તાલુકાના બાફણવિહીર ગામનો માધવ રામદાસ બાંભણે હોવાનું બહાર આવ્યું હતું.માધવ રામદાસ પાસેથી કપરાડાના કિશને બનાવટી નોટ મેળવી હતી.નાસિકના સૂત્રધારને વોન્ટેડ જાહેર કરાયો છે.