Mysamachar.in-અમદાવાદ:
આજે 10 સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ છે, ત્યારે જ અમદાવાદમાં આત્મહત્યાનો એક અરેરાટી ફેલાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદના કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઈલ ટાવર પર ચઢીને અજાણ્યા યુવકે નીચે પડતું મુક્યુ હતું. પોલીસ અને ફાયર વિભાગની ટીમે તેને સમજાવટથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેના માટે નીચે જાળી પણ પાથરી હતી. છતાં યુવકે નીચે પડતુ મૂકીને મોત વ્હાલુ કર્યુ. હાલ પોલીસે આ યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે તે દિશામાં તપાસ શરૂ કરી છે.આશરે ચાલીસ વર્ષની ઉમરના અજાણ્યા યુવકે ટાવર પરથી નીચે પડતું મૂકીને મોત વ્હાલુ કર્યું છે. બન્યું એમ હતું કે, કાંકરિયા લેકના ગેટ નંબર ત્રણ પાસે એક મોબાઈલ ટાવર આવેલો છે. ત્યાં એક યુવક મોબાઈલ ટાવર પર આત્મહત્યા કરવા માટે કૂદી પડ્યો હતો. આ જોઈને લોકોના ટોળા એકઠા થયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. જેથી ફાયર વિભાગની ટીમ પણ રેસ્કયૂ કરવા પહોંચી ગઈ હતી.
મોબાઈલ ટાવરની નીચે અનેક લોકોએ ચીચીયારીઓ પાડી, બૂમો પાડીને નીચે ઉતારવા માટે તેને કહ્યુ હતું. મોબાઇલ ટાવરની આસપાસ નેટ લગાવીને યુવક જો કૂદે તો તેને બચાવવા માટે પ્રયાસ કરવાની તૈયારીઓ કરી હતી, પણ યુવક નીચે ઊતરવાનું નામ લઈ રહ્યો હતો અને આ તમાશો કલાકો સુધી ચાલ્યો હતો. આખરે યુવક જ્યાં જાળી લગાવી હતી તેની પાછળની બાજુ કૂદી ગયો હતો. આટલી ઊંચેથી નીચે પટકાયા બાદ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તેની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.