Mysamachar.in-કચ્છઃ
મિત્રોની અનેક કહાની તમે સાંભળી હશે પરંતુ કચ્છના મુંદ્રા તાલુકામાં બે જિગરજાન મિત્રોના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. મુન્દ્રા તાલકાના ભદ્રેશ્વર ગામે બુધવારની સવારે બેકારીથી કંટાળી એક યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો, આ ઘટનાને સાત કલાક બાદ જ તેના જિગરજાન મિત્રએ પણ રસ્સી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો, આપઘાત પહેલા બીજા મિત્રએ મોબાઇલમાં વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું હતું જેમાં તેણે લખ્યું કે ‘મિસ યુ જિગરા હું ય આવું છું ટેન્શન ન લે’સાથે રડવાના ઈમોજીસ પણ રાખ્યા હતા.
બનાવની વિગત એવી છે કે મંગળવારે મોડી રાતે 3 વાગ્યાની આસપાસ 32 વર્ષિય મહાવીરસિંહ જાડેજાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડના એંગલમાં સાડી બાંધી ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લીધો, મહાવીરસિંહની અંતિમવિધિ કરી હજુ તો પરિવારમાં શોકની લાગણી હતી કે સાત કલાક બાદ મહાવીરસિંહના બાળપણના મિત્ર 30 વર્ષિય જયદીપસિંહ જાડેજાએ પણ ગળે ટૂંપો ખાઇ આપઘાત કરી લીધો. એકજ દિવસમાં બે યુવાનોની આત્મહત્યાથી ભદ્રેશ્વર ગામ હીબકે ચડ્યું હતું. મિત્ર મહાવીરસિંહ પાછળ જીવનલીલા સંકેલનાર જયદીપસિંહે આત્મઘાતી પગલું ભર્યા અગાઉ વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતું જેમાં તેણે લખ્યું કે 'મિસ યુ જિગરા, હુંય આવું છું ટેન્શન નો લે'. આ સ્ટેટસથી પોલીસને શંકા છે કે બીજા મિત્રએ પોતાના મિત્રના મૃત્યુના આઘાતમાં આ પગલું ભર્યું છે.