Mysamachar.in-અમદાવાદઃ
ઓનલાઇન છેતરપીંડિ માટે સાયબર સેલ ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી છે. જેમાં ઓનલાઇન છેતરપીંડિનો ભોગ બનેલા લોકોની મદદ કરવામાં આવે છે. જો કે આ પ્રકારના ગુનાઓ ઘટવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ખાસ કરીને ઓનલાઇન ડેટિંગની લાલચ આપી યુવકો પાસેથી પૈસા પડાવી લેવાની ઘટના વધી રહી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકને સ્વરૂપવાન યુવતીઓ સાથે ડેટિંગના અભરખા 4.95 લાખમાં પડ્યા. અંતે યુવકની આંખ ખુલતા તેણે પોલીસમાં જાણ કરી સમગ્ર હકિકત જણાવી હૈયાવરાળ ઠાલવી હતી.
વાત એવી બની કે મુળ પશ્ચિમ બંગાળના કોલકત્તાના અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરની મહાવીરનગર સોસાયટીમાં રહેતા પ્રમીત રાય કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ડિસેમ્બર માસમાં ઓનલાઇન યુવતી સાથે પ્રમીતને ડેટિંગ કરવાનું મન થતાં તેણે ગગુલ પર ઓનલાઇન ડેટિંગ સર્ચ કર્યું હતું. જેમાં locanto નામની એક વેબસાઇટ ઓપન થઇ હતી. જેમાં એક યુવતીના ફોટો સાથે જસ્મિન નામની યુવતીની પ્રોફાઇલ ખુલી હતી. આ પ્રોફાઇલ સાથે લખેલા નંબર ફોન કરીને પૂછતા સામે વાળી વ્યક્તિએ પોતે જસમીન નથી તેવું કહ્યું હતું. બાદમાં પ્રમીતના નંબર પર મીસ કોલ આવ્યો હતો. તેણે ફોન કરતા સામે વાળી યુવતીએ પોતાનું નામ ડિમ્પી કહ્યું હતું અને પોતે ઓનલાઇન ડેટિંગ એજન્સી ધરાવતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પ્રમીતે પેમેન્ટ બાબતે પૂછ્યું હતું. બાદમાં મેમ્બર બનવા માટે એક હજાર માંગ્યા હતા.
મેમ્બર બન્યા બાદ પ્રમીતને બે છોકરીઓના ફોટો અને વિગતો વોટ્સએપ કરવામાં આવી હતી. જેમાં તેને 26 વર્ષની પલક શર્મા નામની યુવતી પસંદ આવી હતી. જેથી ત્યારબાદ તેણે વધુ પેમેન્ટ કર્યું હતું. પ્રમીત પેમેન્ટ કરતો જતો હતો અને સામે વાળી એજન્સી ધરાવનાર યુવતી તેને છેતરતી જતી હતી. પણ પ્રમિતને કોઇ સર્વિસ ન મળતા એક દિવસ તેણે આ નાણાં રિફન્ડ માંગ્યા હતા. તો સામે વાળી વ્યક્તિએ તેના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન મૂકીને તેને બદનામ કરી નાખશે તેવી ધમકી આપતા આખરે પ્રમિતે વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડિમ્પી અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.