Mysamachar.in-અમદાવાદ:
હાલના સમયમાં કેટલાય યુવક યુવતીઓ એવા છે જેને પારિવારિક પસંદગીઓના લાખ પ્રયાસ છતાં પણ યોગ્ય જીવનસાથી ના મળતા ઓનલાઈન વેબસાઈટ પરથી લગ્ન માટે યોગ્યપાત્ર શોધતા હોય છે. અને આવી સાઈટો થકી કોઈના ઘર બની જતા હોય છે તો કોઈ છેતરપીંડીનો ભોગ પણ બને તો કોઈનું સર્વસ્વ લુટાઈ જાય છે, અમદાવાદમાં વસવાટ કરતી એક યુવતીએ શાદી ડોટ કોમ પરથી યુવકને લગ્ન માટે પસંદ કર્યા બાદ યુવકે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. પણ યુવકે લગ્ન ન કરતા યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં વસવાટ કરતી 30 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2018 માં તેનો પરિવાર લગ્ન માટે તેના માટે યુવકની શોધમાં હતો. દરમિયાનમાં આ યુવતીએ શાદી ડોટ કોમ પર પ્રોફાઈલ બનાવી અને બાદમાં રજિસ્ટ્રેશન કર્યું હતું. તે દરમિયાન પોતાની જ્ઞાતિનો એક યુવક તેના ધ્યાનમાં આવ્યો હતો. બને વચ્ચે મુલાકાત થઈ અને બાદમાં રૂબરૂ મળ્યા હતા. યુવકે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને બને વચ્ચે લગ્ન કરવાની શરતે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન બને વચ્ચે મુલાકાત વધી અને એકબીજા સાથે હરવા ફરવા લાગ્યા હતા.
આ દરમિયાન યુવક યુવતીને અનેક વાર હોટલમાં લઈ જતો અને જબર દસ્તીથી યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બંધતો હતો. દરમિયાનમાં લગ્ન બાબતે આ યુવતી યુવક સાથે વાત કરતા યુવકે કોઈપણ કારણોસર લગ્ન કરવાની ના પાડી અને ઉલટા ચોર કોતવાલ કો દાટે તેમ યુવતીને ધાકધમકી આપવા લાગ્યો હતો, જેથી અંતે પોતે લગ્નના નામે યુવકની હવશનો શિકાર બની હોવાની પ્રતીતિ થતા તેણીએ પોલીસમથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.