Mysamachar.in-ગાંધીનગર
રાજ્યની સરકારમાં તમામ નવા મંત્રીઓએ પોતાના હોદાનો ચાર્જ લેવા લાગ્યા છે, એવામાં નવા મંત્રીમંડળમાં સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જાણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય (કોલ ઓન) આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું થોડા જ સમયમાં દરેક જીલ્લાની રૂબરૂ મુલાકાતે જવાનો છું ત્યારે અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈશ.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતભરના લોકોને વિનંતિ કરી છે કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે, કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સોગાદ સાથે આપ અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેકનોલોજિકલ માધ્યમથી આપની ઈચ્છા દર્શાવી શકો છો. મહત્વનું છે કે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ, સાથે સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ કર્યો છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું.