Mysamachar.in-સુરત:
રાજ્યમાં દિવસે ને દિવસે હનીટ્રેપની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, સ્વરૂપવાન યુવતી અને તેના સાગરીતો મળીને સાચી ખોટી ઓળખો આપીને કેટલાય લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે, ત્યારે વધુ એક હનીટ્રેપની ઘટના સુરતમાં સામે આવી છે, સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકનો મહિલા સાથે કઢંગી હાલતમાં બનાવેલ મોબાઈલ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારની શક્તિ વિજય સોસાયટીમાં રહેતો યુવક પરિવાર સાથે રહે છે. આ યુવક શરીર સુખ માણવા માટે એક મિત્ર પાસેથી મોબાઈલ નંબર મેળવી મોરા ભાગળમાં રહેતી યુવતીનો સંપર્ક કર્યો હતો. જે બાદ યુવક તેના ઘરે ગયો હતો. જ્યાં યુવકે પહેલાં આ યુવતી સાથે ભાવતાલ નક્કી કરી બેડરૂમમાં ગયા હતા અને યુવક અને યુવતી કઢંગી હાલતમાં હતા,

તે દરમિયાનમાં અન્ય એક યુવતી બેડરૂમમાં આવી હતી. ત્યારબાદ કઢંગી હાલતના યુવક અને યુવતીનો વીડિયો ઉતારી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. વિડીયો ઉતારનારી યુવતીએ પોતાની ઓળખ ખાનગી લોકલ ન્યૂઝ ચેનલની પ્રેસ રિપોર્ટર તરીકે આપી યુવકનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. પરસ્ત્રી સાથે શરીર સુખ માણવાના ચક્કરમાં બદનામ થવાનો વારો આવતા યુવક ડરી ગયો હતો અને તેને ખ્યાલ આવી ગયો હતો કે, આ યુવતીઓ દ્વારા તેને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનો કારસો રચ્યો છે,જેથી તુરંત જ તેણે તેના એક મિત્રને ફોન કરી તમામ હકીકત જણાવી દીધી હતી, જેથી મિત્રએ રાંદેર પોલીસને જાણ કરી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે બંને મહિલાની ધરપકડ કરી હતી. હાલ યુવકની ફરિયાદના આધારે પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
