Mysamachar.in-સુરત
ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવાવર્ગને ફ્રેન્ડશિપ અથવા તો ચેટિંગ કરવાની લોભામણી વાતો કરીને અલગ-અલગ ચાર્જના નામે છેતરપીંડી કરનાર ગેંગને સુરત સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવતા કેટલાય રોચક તથ્યો સામે આવ્યા છે, આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા 1.67 કરોડનું ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઇલ, 9 ચેકબુક તથા 5 એટીએમ કાર્ડ કબ્જે કરવામા આવ્યા છે.
બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી NRI યુવતીઓ સાથે મિત્રતા, ચેટીંગ અને રૂબરૂ મુલાકાત કરવાના નામે રૂપિયા ખંખેરતા મહિલા સહિત બે મહારાષ્ટ્રીયનને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે. સુરતના યુવકને NRI છોકરીઓ સાથે મુલાકાત કરાવી બે કલાક વાત કરવાની લાલચ અને ખુશ રાખવાની 69,410ની રોકડ ગૂગલ-પેથી પડાવી કરાયેલી છેતરપિંડીનો કેસ પણ ઉકેલાય ગયો છે. આરોપીઓના બેંક સ્ટેટમેન્ટની તપાસમાં 1,67,04,000ના ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. સુરત, વડોદરા, અમદાવાદ, મુબઇ, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ અને દિલ્હી સુધી બન્ને ઠગબાજોએ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
આરોપી રામઆશિષ અને સુષ્મા શેટ્ટી 20-30 હજારમાં ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ અલગ ચાર્જ ગણાવીને પણ છેતરપિંડી કરતા હતા. આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા અલગ અલગ બેંકોના કુલ-11 બેંક એકાઉન્ટો ગુનામાં ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં 1,67,04,000 ના ટ્રાન્જેકશન થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રામઆશિષ સિયારામ પાસવાને વર્ષ-2009થી આ પ્રકારના ગુના આચરતો આવ્યો હોવાની કબૂલાત કરી છે.
પકડાયેલા રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ મુબઇ, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ તથા દિલ્હીમાં ન્યૂઝ પેપરો મારફતે જાહેરાત આપી લોકોને ફસાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બન્ને ઠગબાજો પાસેથી 6 મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નંગ- 9, એ.ટી.એમ.કાર્ડ નંગ-5, આરોપીઓ અલગ અલગ ન્યુઝ પેપરમાં આઈએસઓ રજીસ્ટર્ડ કોમલ બ્યુટી પાર્લર મેલ, ફિમેલ, કોલેજ ગર્લ, હાઉસવાઇફ, મોડલ્સ એન્જોય આવક 20,000-30,000 રોજના, ગેરેન્ટેડડ સર્વીસ તમારા શહેરમાંના નામે જાહેરાત આપતા હતા.આમ આવી જાહેરાતો વાંચી રંગીન મિજાજી યુવકો ફોન કરીને કઈ રીતે ફસાઈ જતા તેનો પર્દાફાશ આ કેસથી થયો છે.