Mysamachar.in-સુરત
લીવઇન રિલેશનશિપમાં વસવાટ કરતી મહિલાઓ માટે એક લાલબતી સમાન કિસ્સો સુરત જીલ્લાના બારડોલીમાં સામે આવ્યો છે, બારડોલીના બાબેન ખાતે લિવઇનમાં રહેતી યુવતી તા.14 મીના રોજ ત્રણ વર્ષના પુત્રને મૂકી જતી રહી હોવાની એનસી પોલીસ સમક્ષ આવી હતી. પોલીસે યુવતી સાથે રહેતા યુવાનની વધુ પૂછપરછ કરતાં તેણે યુવતીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને વાલોડ ખાતે યુવતીના પિતાના ખેતરમાં દફનાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રવિવારે મોડી સાંજે લાશને બહાર કાઢી હતી. મૃતક યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું પણ બહાર આવ્યું હતું. હત્યા કોઈ સામાન્ય ઝઘડામાં કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુન્હો નોંધ્યો છે.
બારડોલીના બાબેન ગામે લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી રશ્મિ જયંતિભાઈ કટારીયાની તા. 14મીએ ઘરેથી જતી રહી હતી. યુવતીના પિતા જ્યંતિભાઈએ બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પોલીસ પૂછપરછમાં ચિરાગ પટેલે રશ્મીની ગળુ દબાવી હત્યા કરીને લાશ રશ્મિના પિતાના વાલોડ ખાતના ખેતરમાં દફનાવી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ તાપીના વ્યારાના પ્રાંત અધિકારી, બારડોલી પોલીસ અને વાલોડ પોલીસની હાજરીમાં ખોદકામ રશ્મિની લાશ બહાર કાઢી હતી.
પોલીસે આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધવાની રાત્રે તજવીજ શરૂ કરી હતી. આરોપી ચિરાગ પટેલે હત્યા કર્યા બાદ લાશને તાલપત્રીમાં વીંટાળી કારમાં મૂકી વાલોડ ખાતે ખેતરમાં દફનાવી હતી. પોલીસે લાશ બહાર કઢાવી પેનલ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ચિરાગ પટેલે રશ્મિની લાશ જે જગ્યાએ દફનાવી હતી પોલીસે લાશને બહાર કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.