Mysamachar.in-અમદાવાદ:
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશ સહિત હાલ રાજયભરમાં અનેક શહેરો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. એવામાં કેટલાક પાન મસાલા અને તમાકુના બંધાણીઓ અનેક તુક્કાઓ કે કારણ બતાવી લોકડાઉનના નિયમોનો ભંગ કરે છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પાન મસાલાના બંધાણીની અનોખી તરકીબ સામે આવી છે. જેમાં પાન મસાલા ખરીદી કરી ચા રાખવાના સ્ટીલના થર્મોસમાં પાનમસાલો લઈ જતા એક શખ્સને ત્રણ રસ્તા પાસેથી પોલીસે પકડયો હતો. જૈમીન નામના યુવકની શંકાના આધારે પોલીસે તેની ચાની કીટલી તપાસતા ઉપરની સાઈડ દૂધની કોથળી મૂકેલી અને નીચે બે ગુટખાના પેકેટ લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો હતો.
જયારે પોલીસે જૈમીનને પૂછ્યું તો પાન મસાલા પોતાના માટે નહીં, પરંતુ તેના મિત્ર માટે લઈ જઈ રહ્યો છે. જોકે પહેલા તો પોલીસ તેની અટકાયત કરી પૂછપરછ કરતા માત્ર દૂધની કોથળી સ્ટીલ થર્મોસમાં હોવાનું રટણ કરતો રહ્યો હતો. પરંતુ પોલીસે ચોકસાઈથી તપાસતા પાન મસાલા પેકેટ મળી આવ્યા હતા. આમ અનેક તરકીબોથી પાન મસાલા બંધાણીઓ નશાનું સેવન તો કરી રહ્યા છે પરંતુ જયારે પોલીસ જો કરશે તો આવી બનશે તે પણ નિશ્ચિત છે.