Mysamachar.in-સુરતઃ
આજના જમાનામાં યુવકોમાં સ્માર્ટફોનનો ગેરઉપયોગ થઇ રહ્યો હોવાની વાત કોઇ નવી નથી, હજી પણ જો વાલીઓની આંખ ન ઉઘડી તો તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં ઓનલાઇન ગેમ રમવાની લતે ચડેલા યુવકે એવું કામ કર્યું છે કે તેને અને તેના પરિવારને હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે. કારણ કે ઓનલાઇન ગેમના રવાડે ચડેલા યુવકે અન્ય યુવકનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી 5600 રૂપિયાની છેતરપીંડિ કરવાનો ગુનો કર્યો છે.
સુરતના પુણા વિસ્તારમાં રહેતા ચિરાગના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના મિત્રો પાસે ઉછીના પૈસા માગવામાં આવ્યા, જ્યારે મિત્રોએ પૈસા પાછા માગ્યા તો ચિરાગને ધ્યાને આવ્યું કે કોઇએ તેનું એકાઉન્ટ હેક કર્યું હતું. ચિરાગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી, જેમાં તપાસમાં બહાર આવ્યું કે ચિરાગનું એકાઉન્ટ વલસાડના પારડીમાં રહેતાં અને બી.કોમનો અભ્યાસ કરતાં તરુણ ઉર્ફ અરુણ ત્યાગીએ હેક કર્યું હતું. તરુણે ચિરાગને વોટ્સએપ લિંક મોકલી હતી, આ લિંક ઓપન કરતાં જ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ફિસીંગ દ્વારા ચિરાગનું એકાઉન્ટ હેક કરી લીધું. પોલીસે જણાવ્યું કે તરુણને ઓનલાઇન ગેમ રમવાની આદત હતી, આ ગેમ રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચિટીંગ કર્યું છે. પોલીસે તરુણ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ વાલીઓ માટે આ કિસ્સો આંખ ઉઘાડવા સમાન છે.