Mysamachar.in-સુરત
મોજશોખ અને વ્યસન માણસને કેટલી હદ સુધી લઈ જાય છે. તેવો સુરત શહેરનો ચોરીનો એક કિસ્સો બહાર આવ્યો છે, સુરત શહેરમાં આવેલા ભરીમાતા રોડ પરના એક નવયુવકને પોલીસે પોતાના મોજશોખ અને વ્યસન ખાતર કરતા ચોરીના ગુનામાં પકડી પાડ્યો છે. મહેરાજ ઉફે ‘તારે જમીન પે’ જેની ઉંમર 19 વર્ષની છે. તેને વ્યસનોની આદત હોવાને કારણે તેનાં પરિવારજનોએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તે સુરત આવી ગયો હતો. ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સિંગણપુર ચાર રસ્તા નજીક આવેલી અક્ષરદીપ સોસાયટીમાં એક મકાનમાં મહિરાજ ઘૂસી જઈ તે ઘરમાં સુતેલા લોકોને સૂતેલાં જ બંધ કરીને ઘરના ઉપરના માળેથી કબાટમાંથી રોકડા રૂપિયા 3000 અને સફેદ કપડાંની થેલીમાંથી સોના-ચાંદીના દાગીનાઓની ચોરી કરીને નાસી ગયો હતો.
મહેરાજ ભરીમાતા રોડ પર ઓટો રીક્ષામાં રાત્રે સૂઈ રહેતો હતો. તેને ચોરી કરી હોવા બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. તે આધારે ટીમે મહેરાજને પાલીયા ગ્રાઉન્ડના રોડ પર જીલાની બ્રિજ નીચેથી એક ઓટો રીક્ષામાંથી તેને પકડી પાડયો હતો. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં મહેરાજે પોતાના મોજશોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઊંડી પુછપરછ કરતાં તેણે આ મોજશોખ એટલે સિગરેટ અને રજનીગંધા પાન-મસાલા માટે ચોરીની શરુઆત કરી હતી અને ચોરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.