Mysamachar.in:રાજકોટ
જામનગર જિલ્લાનાં એક રઘુવંશી વેપારી યુવાને રાજકોટમાં ઝેર પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાનનાં પરિવારજનોએ વ્યાજખોરી મુદ્દે આક્ષેપો કર્યા છે. જામનગર જિલ્લાનાં નવાગામમાં રહેતાં 28 વર્ષનાં એક લોહાણા યુવાને રાજકોટમાં ઝેર પીધું હોવાનું રાજકોટ પોલીસમાં જાહેર થયું છે. આ યુવાનનું નામ ધીરજ પંચમતીયા જાહેર થયું છે. આ યુવાને રાજકોટમાં માધાપર ચોકડી નજીકના વિસ્તારમાં માંકડ મારવાની દવા ગટગટાવી હોવાનું જાણવા મળે છે. જેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ આ યુવાનનાં ફોન મારફતે પોલીસે તેનાં પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આ યુવાન વ્યાજખોરોથી ત્રસ્ત છે. એમ કહેવાય છે કે, આ યુવાને રૂ.4 લાખ વ્યાજે લીધાં હતાં. બાદમાં તેણે રૂ.8 લાખ નાણાં ધીરનારને પરત કરી દીધાં હતાં. આમ છતાં નાણાં વ્યાજે આપનાર આ યુવાન પાસે રૂ.15 લાખની માંગણી કરે છે. આથી ત્રાસી જઈ આ યુવાને આત્મહત્યા કરવા માંકડ મારવાની દવા ગટગટાવી લીધી છે. જેની હાલ સારવાર ચાલી રહી છે.
આ યુવાનનાં પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, નાણાં વ્યાજે આપનાર જામનગરનો શખ્સ વધુ રૂ.15 લાખ મેળવવા પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. અને આ નાણાં ધીરનારે ધીરજ પંચમતીયાની સહી કોરા સ્ટેમ્પ પર લઈ લીધી છે. જેને કારણે ધીરજ પંચમતીયા ગભરાટ અનુભવે છે.