Mysamachar.in-જામનગર:
ચૂંટણી – એક અદભૂત શબ્દ છે, જેની સાથે ઘણીયે બાબતો સંકળાયેલી રહેતી હોય છે. એમાંનો એક મહત્વનો મુદ્દો છે નાણું. ચૂંટણીનાં ચિત્રમાં નાથિયાઓ પણ ખેલ પાડી શકે અને નાણાંવાળા નાથાલાલો તો ” તમામ” પ્રકારના ખેલ પાડી શકે – મતદારોને આ સનાતન સત્યની સારી પેઠે ખબર છે ! ચૂંટણી ખાસ કરીને વિધાનસભા ચૂંટણી લડવા તમારાં ખિસ્સામાં ઓછામાં ઓછાં કેટલાં રૂપિયા હોવા જરૂરી છે ? અને, તમને ઓછામાં ઓછાં કેટલાં મત મળે તો જ તમારી ડીપોઝીટ બચી શકે ? એ નિયમો જાણવાલાયક છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ રાજ્યોનાં ચૂંટણી પંચ આ માટેનાં નિયમો ઘડે છે. Mysamachar.in દ્વારા આજે શુક્રવારે સવારે આ મુદ્દે ચૂંટણી અધિકારી ( SDM, જામનગર શહેર) દર્શન ડી. શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું છે કે, વર્તમાન વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છતા કોઈ પણ ( પુરુષ અથવા સ્ત્રી) ઉમેદવારે નામાંકન પત્ર દાખલ કર્યા પહેલાં ચૂંટણી તંત્રમાં રૂ.10,000 ડીપોઝીટ સ્વરૂપે જમા કરાવવાનાં હોય છે, જે નિયમાનુસાર રિફંડેબલ હોય છે. અનુસૂચિત જાતિના ઉમેદવારે ડીપોઝીટ તરીકે રૂ. 5,000 જમા કરાવવાનાં રહે છે. જે ઉમેદવાર ચૂંટણીમાં સંબંધિત બેઠક પર થયેલાં કુલ મતદાનનાં ઓછામાં ઓછાં છઠ્ઠા ભાગનાં મતો પ્રાપ્ત કરી શકે તેને ડિપોઝીટ રિફંડ નિયમો અનુસાર મળી શકે અને આટલાં નિર્ધારિત લઘુત્તમ મતો જે ઉમેદવારો મેળવી ન શકે તે તમામ ઉમેદવારોની ડિપોઝીટ પંચનાં નિયમ મુજબ ડૂલ થાય એટલે કે તે નાણાં સરકારમાં જ જમા રહે. એક પણ રૂપિયો ઉમેદવારને પરત મળે નહીં.
અત્રે એ પણ નોંધનીય છે કે, ઘણાં ઉમેદવારો (પક્ષનું મેન્ડેટ ધરાવતાં અથવા અપક્ષ) કોઈ ચોક્કસ ઉમેદવારને નબળો પાડવા અને એ રીતે કોઈ ચોક્કસ ઉમેદવારની તરફેણ માટે ચૂંટણી લડતાં હોય છે ! ઘણાં ઉમેદવારોને ચૂંટણી લડવાની અને એ રીતે પોતાનું નામ બજારમાં ફરતું રાખવાની તમન્ના હોય છે ! ઘણાંની ડિપોઝિટ પણ અન્ય ઉમેદવારો કે પક્ષ ભરતાં હોય છે ! ઘણાં શાણા અને અસરકારક ઉમેદવારો ડિપોઝીટના નાણાં પણ બીજાં પાસે ભરાવે અને ચોક્કસ રકમ પણ ખાનગીમાં મેળવી લેવા સક્ષમ હોય છે ! ચૂંટણી એવું ક્ષેત્ર છે, જેમાં કમીનાપન બજારૂ ચીજ હોય છે, અને બજારની જરૂરિયાત મુજબ સોદાઓ પડતાં હોય છે, નાણાં સહિતની ચીજોની ખાનગી લેવડદેવડ થતી રહેતી હોય છે, અને એ રીતે કૌશલ્ય અને સક્ષમતા ધરાવતાં ઘણાં ઉમેદવારો વિજય સુધી પહોંચી શકતાં હોય છે, પહોંચે છે અને પરિણામને દિવસે ‘ સિકંદર ‘ જાહેર થતાં હોય છે. આ બધી બાબતો ઘણાં બધાં મતદારો પણ જાણતાં હોય છે, જે લોકશાહીનાં પર્વ સાથે સંકળાયેલી અનિચ્છનીય હકીકતો છે !!