Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે એક માન્યતા એવી છે કે, કોઈ પણ શિક્ષક અથવા શિક્ષિકા કોઈ ખરીદીઓ કરે ત્યારે, ચોકસાઈ અને કરકસરથી ખરીદીઓ કરતાં હોય છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે- પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ રૂ. 6.27 લાખની કિંમતની એક ઘડિયાળની ખરીદી કરી. આ શિક્ષિકા સરકારી સ્કૂલમાં નોકરી કરે છે. આ શિક્ષિકાને આવકવેરા વિભાગે પાછલાં 6 વર્ષ દરમિયાન ઘણી બધી નોટિસ પણ પાઠવી છે.
આ સાથે જ એક ચર્ચા એવી ઉઠી કે, કોઈ સાયબર ગઠિયાએ આ શિક્ષિકાના ઓરિજિનલ દસ્તાવેજોનો મિસયૂઝ કર્યો. આ શિક્ષિકાના આવકવેરા રિટર્નમાં કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહારો અને ટર્નઓવર પણ જોવા મળે છે. આ મહિલા વડોદરામાં વસવાટ કરે છે. 44 વર્ષની આ મહિલાને 2018ની સાલથી આવકવેરા વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે. આ મહિલાએ હાલમાં આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી.

તેણીએ ફરિયાદમાં એમ જણાવ્યું કે, 2016માં મારાં નામે અમદાવાદના એક લીડીંગ સ્ટોરમાંથી રૂ. 6.27 લાખની કિંમતની એક ઘડિયાળની ખરીદી થઇ. તેણીએ આવકવેરા વિભાગને નોટિસના જવાબમાં કહ્યું: મારો પગાર જ એવડો નથી કે, હું આવી મોંઘી ખરીદીઓ કરી શકું. આ મહિલાને વધુ અચરજ ત્યારે થયું જ્યારે તેણીએ આકારણી વર્ષ 2017-18 માટે, એક ટેક્સ પ્રેક્ટિસનરની મદદથી આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું ત્યારે તેણીને જાણ થઈ કે, આ અગાઉના 3 વર્ષના આવકવેરા રિટર્ન કોઈએ તેણીના નામે ફાઈલ કરેલાં છે.
તેણીના નામે અગાઉના જે 3 વર્ષના આવકવેરા રિટર્ન ફાઈલ થયેલાં છે તે વૃંદાવન અને સિક્કિમથી ફાઈલ થયા છે. આ જગ્યાઓ પર આ શિક્ષિકા કયારેય ગઈ જ નથી. શિક્ષિકા ફરિયાદમાં જણાવે છે કે, 2014માં તેણીની એક હેન્ડબેગ ચોરાઈ ગયેલી. આ બેગ જેતે સમયે એક બસ ડ્રાઇવરે પરત આપેલી, આ ચોરીની તેણીએ ફરિયાદ દાખલ કરાવી ન હતી. પરંતુ ત્યારે અચરજ એ હતું કે, હેન્ડબેગમાંથી કશું જ ચોરાયું ન હતું. બધી જ ચીજો સલામત હતી.

મે-2022માં પણ આ મહિલાને IT વિભાગે નોટિસ આપેલી, જેમાં કહેવાયું હતું કે- તમે બેંગ્લોરથી રૂ. 32 લાખની જવેલરી ખરીદી છે, તેનો હિસાબ આપો. એક વખત IT વિભાગે તેણીને રૂ. 72 લાખ ટેક્સ ભરવા કહેલું. ફરિયાદ કહે છે: તેણીના PAN કાર્ડ ના આધારે 3 GST નંબર મેળવાયા છે. અને એક જ મહિનામાં આ નંબરો કેન્સલ કરાવવામાં આવેલાં. આકારણી વર્ષ 2020-21 માં તેણીના નામે ITમાં રૂ. 73 કરોડના GST ટર્નઓવરના આંકડા બોલે છે !! આ મામલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે.
