Mysamachar.in:ગાંધીનગર
તમારાં નવા વાહનનાં નંબર માટે તથા નંબરપ્લેટ માટે તમારે RTO સુધી જવું જ ન પડે, અને તમારાં વાહન ડીલરને ત્યાં જ તમારૂં બધું કામ પતી જાય તે માટે સરકાર નવી વ્યવસ્થા વિચારી રહી છે. પસંદગીનો નંબર પણ ડીલર જ આપી શકશે, એવું નવી વ્યવસ્થામાં વિચારવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. હાલમાં વાહનનાં નવા નંબર માટે, નંબરપ્લેટ માટે તથા ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવા સહિતની વિધિઓ માટે લોકોએ આરટીઓ કચેરી સુધી ધક્કા ખાવા પડે છે. આ બધી જફામાં આઠ-દસ કે ઘણી વખત તો પંદરેક દિવસ પણ વીતી જતાં હોય છે. હવે સમય બચશે. કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે, વાહન ખરીદનારને પસંદગીનો નંબર નાણાં ભરીને ડીલરને ત્યાંથી મળી જાય, નંબરપ્લેટ પણ ત્યાંથી મળી જાય, રજિસ્ટ્રેશન પણ ડીલરને ત્યાં થઈ જાય અને વીમાની રસીદ પણ ડીલર ઓનલાઇન આપી દે. આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા હાલ રાજય તથા કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, આગામી પંદરેક દિવસમાં આ યોજના શરૂ કરવા સરકાર સ્તરે ઠરાવ થઈ જશે અને તે માટે નિયમો પણ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે. દિલ્હી અને ગાંધીનગર આ માટે ઝડપથી આગળ વધી રહ્યા છે. હાલમાં જામનગર સહિત રાજ્યભરમાં વાહનોની નંબરપ્લેટ માટે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે તે આપોઆપ વાહનડીલરને ત્યાં તબદીલ થઈ જાય તે માટે પણ વિચારણા ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ નવી વ્યવસ્થા અમલમાં આવતાં લોકોએ આરટીઓ કચેરીએ જે ધક્કા ખાવા પડે છે તે બંધ થશે. ડીલરોને વધારાનો ધંધો મળી રહેશે અને સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ પૂર્ણ થઈ શકશે. વાહન ફીટનેસ પ્રમાણપત્ર માટે પણ સરકાર સરળ અને ખાનગી પ્રક્રિયા હાથ ધરી રહી છે. ટૂંકમાં, નાણાં જમવા સંબંધે આરટીઓ કચેરી પર જે આળ છે, તેમાં થોડો ઘટાડો આવે એવું પણ સરકાર ઇચ્છી રહી છે. કેન્દ્રના આગામી બજેટ પૂર્વે આ નવી વ્યવસ્થા અમલમાં આવી જશે, એવું હાલ સમજાઈ રહ્યું છે.