Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને ઢોરના ત્રાસ ને કાઈ નવું નથી, વર્ષોથી આવો જ ત્રાસ શહેરીજનો ભોગવે છે, જેનું નક્કર નિરાકરણ ક્યારેય આવી શક્યું નથી, પશુઓને ટેગ કરવાની વાત હોય કે પશુમાલિકો સામે ફોજદારી ગુન્હાઓ દાખલ કરવાની વાત હોય આ તમામ મોરચે તંત્ર ફેલ થયું છે, ક્યારેક બે ચાર કેસો કરવા સિવાય મનપા નક્કર કોઈ પગલા લેતું નથી, પરિણામ સ્વરૂપ શહેર તો શહેર છેક હાઈવે પર પણ પશુઓનો તો એવો ત્રાસ છે જેની ના પૂછો વાત…..
જામનગર શહેરના રસ્તાઓ તો જાણે ઢોરવાડામાં તબદીલ થઇ જાય છે, રસ્તે રઝળતા પશુઓને કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે..અરે જીવ જાય છે, કોઈ પરિવારના વહાલસોયાને ગુમાવી દે છે, છાશવારે થોડા ઘણા પશુઓને ઉપાડી અને ઢોરડબ્બામાં મોકલી દીધા બાદનું વરવું ચિત્ર રસ્તા પર આજે પણ એવું જ છે, ઢોરના માલિકો મનફાવે તેમ પોતાના ઢોરને રસ્તે ખુલ્લા છોડી પોતે આરામ કરે છે, અને રસ્તે નીકળતા લોકોનો મરો થાય છે, જો જાહેરનામાં બહાર પાડવાથી સમસ્યાઓ હાલ થઇ જતી હોય તો શહેરની સ્થિતિ આવી ના હોય માટે જાહેરનામાં ની કડકોકડક અમલવારી કરાવવા ઢોર માલિકો જે પોતાના ઢોર બિન્દાસ્ત રોડ પર છોડી દે છે તેની સામે ફોજદારી કરવાનો સમય પાકી ગયો હોય તેમ લોકોમાં થી સુર ઉઠી રહ્યો છે.