Mysamachar.in:અમદાવાદ
આ વર્ષે ફેબ્રુઆરીનો આરંભ આકરો શરૂ થયો છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 35-38-40 ડિગ્રી મહત્તમ તાપમાન લાખો લોકોને પસીનો છોડાવી રહ્યું છે. યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને વળી, હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ઉનાળા પહેલાં કાળઝાળ ઉનાળો ?! આ ચર્ચાઓ સર્વત્ર શરૂ થઈ ચૂકી છે. પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફનાં પવનો અને એન્ટિ સાયક્લોનિક અસરો ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે જેને કારણે મહત્તમ તાપમાન ઉંચકાતુ અનુભવાઈ રહ્યું છે. ફેબ્રુઆરી માસમાં પણ સવારનાં દસેક વાગ્યાથી કડક તડકો અનુભવાઈ રહ્યો છે ! અને બપોરનાં સમયે આકરો તાપ અકળાવનારો પૂરવાર થઈ રહ્યો છે.
દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ગુજરાતમાં હીટવેવનો અનુભવ થશે. જામનગર જેવાં દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ફેબ્રુઆરી માસમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ રહ્યું છે ! અને, લઘુત્તમ તાપમાન પણ 16-17 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં પ્રથમ વખત આ વર્ષે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં અત્યારથી ગરમીનો પારો 38 ડિગ્રી વટાવી ચૂક્યો હોય, લોકો અત્યારથી ગરમીથી તોબા પોકારી રહ્યા છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સંભાવના છે. જો કે, દરિયાકિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું હોય હજુ થોડી રાહત અનુભવી શકાય છે.