Mysamachar.in-અમદાવાદ:ભાવનગર:
ગોઝારા અકસ્માતોની પરંપરા થંભવાનું નામ તો લેતી જ નથી, અકસ્માત ઘટવાને બદલે વધી રહ્યા છે, ઉપરાઉપરી અમંગળ સમાચારો આવી રહ્યા છે, નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. વાહનચાલકો અભણ અને ડફોળ સાબિત થઈ રહ્યા છે, માણસો મરી રહ્યા છે, પરિવારો ઉજડી રહ્યા છે અને સ્વજનો કાળજું કંપાવતા રૂદન કરી રહ્યા છે.
સવારમાં 2 અકસ્માતની વિગતો જાહેર થઈ. એક અકસ્માત રાજકોટ-અમદાવાદ રોડ પર અને એક અકસ્માત ભાવનગર-ગારીયાધાર રોડ પર થયો. કુલ 4 લોકોના મોત થયા અને 3 લોકો ઘાયલ થયા. રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર બગોદરા-બાવળા નજીક ભમાસરા ગામના પાટીયા પાસે થયો, જેમાં 3 આઈસર ટ્રક સહિત 4 વાહનો અકસ્માતને કારણે ફાટી નીકળેલી આગમાં ખાખ થઈ ગયા. ભાવનગર પંથકમાં એક ટ્રકે બાઈકને ફંગોળતા 2 યુવકના મોત થયા.
બગોદરા-બાવળા પંથકમાં થયેલા અકસ્માતમાં જાણવા મળે છે કે, એક આઈસર ટ્રક ચાલકની બેદરકારીને કારણે ડિવાઇડર કૂદાવી રોંગ સાઈડ પર જતો રહ્યો આથી સામેની સાઈડમાં આવી રહેલાં 3 વાહનો આઈસર સાથે ટકરાયા અને આઈસર ટ્રક CNG હોય, અકસ્માત પછી આગ ફાટી નીકળતા ચારેય વાહનો બળીને ખાખ ગયા. અન્ય બે આઈસર ટ્રકમાં ચોખા ભર્યા હતાં. આ અકસ્માતમાં 2 ના મોત થયા અને 3 લોકોને ઈજાઓ પહોંચી.
અન્ય એક અકસ્માત, ભાવનગર ધોરીમાર્ગ પર ગારીયાધાર પંથકમાં સર્જાયો. એક ટ્રકે એક બાઈકને હડફેટમાં લેતાં 2 આશાસ્પદ યુવાનો કાળનો કોળિયો બની ગયા. મૃતકના નામો જયદીપ ધોળકિયા અને સાહિલ ધોળકિયા હોવાનું જાહેર થયું છે. આમ, આજે સવારમાં આ બે અકસ્માતોની વિગતો જાહેર થઈ જેમાં કુલ ચારનો ભોગ લેવાઈ ગયો અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.