Mysamachar.in:જામનગર:
જામનગરમાં બહુમાળી બાંધકામ દરમિયાન વધુ એક દુર્ઘટના બની હોવાનું જાહેર થયું છે, 25 વર્ષનો એક શ્રમિક આ બાંધકામના સ્થળે કામગીરીઓ દરમિયાન ત્રીજા માળેથી નીચે પટકાતાં તેણે જીવ ગુમાવ્યો છે, આ બાંધકામ સાઈટ કોર્પોરેશન હસ્તકની છે જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ સાઈટ શહેરના પોલીસ હેડ કવાર્ટર પાછળ આવેલી છે. અને, આ દુર્ઘટના કાલે બુધવારે સવારે અગિયારેક વાગ્યા આસપાસ બનેલી હોવાનું પોલીસમાં કાલે સાંજે 07-30 કલાકે જાહેર થયું છે.
પોલીસમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલી આ ઘટનાની વિગતોમાં ફરિયાદી તેજુભાઈ હરિલાલ બિંદુએ લખાવ્યું છે કે, ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લાના સોલાપુર તાલુકાના દાનગંજ ગામનો 25 વર્ષનો શ્રમિક રાધેશ્યામ શિવબચ્ચન સુવારી હાલ જામનગરમાં ખોડિયાર કોલોનીમાં વસવાટ કરે છે. આ શ્રમિક પોલીસ હેડ કવાર્ટર પાછળ કોર્પોરેશન હસ્તક બની રહેલાં પ્રધાનમંત્રી આવાસની સાઈટ પર ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. બાંધકામની કામગીરીઓ દરમિયાન આ શ્રમિક નીચે ગબડી પડતાં બેભાન બની ગયો હતો. બાદમાં આ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ગંભીર ઈજાઓને કારણે, સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ થયું છે એવું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું છે.
આ દુર્ઘટનાની વિગતો શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરનાર ફરિયાદી પણ આ જ બાંધકામ સાઈટ પર મજૂરી કરે છે. અને તે પણ ઉત્તરપ્રદેશના વતની છે અને જામનગરમાં વસવાટ કરે છે. તેમની ઉંમર 29 વર્ષની છે. પોલીસ આ મોતની ઘટનાની તપાસ કરી રહી છે અને સંબંધિતોની પૂછપરછ કરી, નિવેદનો નોંધી રહી છે.