Mysamachar.in-જામનગર:
રાજનીતિમાં કેટલાંક સિદ્ધાંતો હોય છે અને કેટલીક મર્યાદાઓ પણ હોય છે જ્યારે રાજકારણમાં કશું જ અશક્ય નથી હોતું અને કોઈ બાબતનો છોછ નથી હોતો. 12મી એપ્રિલે પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ ભાજપા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર લોકસભા મત વિસ્તારના તમામ બુથ પ્રમુખોનું સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષે સૌને ચૂંટણીમાં વિજયનો મંત્ર આપ્યો હતો. અને બુથના પેઇઝ પ્રમુખોને બુસ્ટ કર્યા હતા
તેઓએ બુથ પ્રમુખો સહિતના કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજકારણમાં ધારાસભ્ય, સાંસદ કે વડાપ્રધાન બની જવાની મહત્વાકાંક્ષા રાખવી ગુનો નથી, મહત્વાકાંક્ષા જરૂરી છે. મહત્વાકાંક્ષા વિનાનો માણસ નકામો છે, પરંતુ રીત સાચી હોવી જોઈએ. કાવાદાવાઓથી કશું થતું નથી. કામ કરવું પડે, કામ બોલતું હોય છે.
પાટીલે વધુમાં કહ્યું હતું કે, કોઈના વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને કે કોઈના વિષે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કશું લખી-લખાવીને આગળ વધી શકાતું નથી. કોઈ પણ મુકામ સુધી પહોંચવા, લક્ષ્ય પાર પાડવા કામ કરવું જરૂરી હોય છે. માણસનું કામ જ બોલતું હોય છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ભાજપામાં નાનામાં નાના કાર્યકરને પણ ટિકિટો મળી છે અને મળે છે, કામ કરનાર કોઈ પણ કાર્યકર ભાજપમાં કશું પણ બની શકે છે.
તેમણે કહ્યું હતું કે, ચૂંટણીઓમાં ઘણાં પ્રકારની રીતરસમો લોકો અજમાવતા અને અપનાવતા હોય છે પરંતુ તમારે સીધી લીટીએ તમારૂં કામ જ કરવાનું છે. અને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ અયોગ્ય પ્રવૃતિઓ કરતી હોય તો, સીધો મને જ ફોન કરજો. બાકીનું હું જોઈ લઈશ. લીડ પાંચ લાખથી વધુ આવવી જ જોઈએ, જો લીડ ઓછી આવશે તો નહી ચાલે એ વાત નક્કી છે. ટૂંકમાં, પાટીલના આ કાર્યક્રમમાં મતદાન સંબંધે બુથ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂક્યો હતો.